મહારાષ્ટ્રમા રાજ્ય મંત્રીમંડળની બેઠક બુધવારે સમાપ્ત થઈ. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Corona in Maharashtra) અને વેક્સિનેશનની (Vaccination in Maharashtra) પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thacheray) ખૂબ ગંભીરતા સાથે રાજ્યના લોકોને મહત્વની અપીલ કરી.
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “રાજ્યમાં કોવિડની લહેર પૂરી થઈ નથી. પ્રથમ અને બીજી લહેરમાં, અમે પ્રયત્નોની તમામ મર્યાદાઓ ઓળંગી અને સંક્રમણને એક મર્યાદાને પાર થવા દીધું નહીં. આ કામમાં અમારા ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારોને શ્રેય જાય છે.
તેવી જ રીતે નાગરિકોની પણ જવાબદારી છે કે આપણે તકેદારી અને સાવધાની રાખીએ. તે પછી દરેક પગલા કાળજીથી લેવાની જરૂર છે. આપ સૌનો સહકાર મળવો જરૂરી છે. ભૂલશો નહીં કે અર્થતંત્રનું ચક્ર શરૂ થવું જોઈએ, તેથી જ આપણે અમુક અંશે પ્રતિબંધ હળવા કર્યા છે.”
જો તમે કોવિડ યોદ્ધા ન બની શકો, તો કોવિડ વાહક ન બનો, તેની સંભાળ રાખો
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નિયમો તોડીને રાજકીય, સામાજિક, ધાર્મિક અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યને જોખમ છે. પરંતુ કેટલાક લોકો આ વાતને સમજી શકતા નથી. આ જોઈને ચિંતા પણ થાય છે (ઈશારો ભાજપની જન આશીર્વાદ યાત્રા તરફ).
આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આપણે કોવિડ યોદ્ધા બની શક્યા નથી, તો ઓછામાં ઓછું આપણે કોવિડ વાહક ન બનીએ. કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપશો નહીં, તેની સંપૂર્ણ કાળજી લો. આ શબ્દોમાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી હતી.
પોતાની સાથે સાથે બીજાના સ્વાસ્થ્યનું પણ રાખો ધ્યાન
કોવિડ સંબંધિત નિયમોનું પાલન ન કરીને, ભીડ ભેગી કરીને, માસ્ક ન લગાવીને આપણે ફક્ત આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ અન્યના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી રહ્યા છીએ. તમને બધાને મારી એક જ અપીલ છે કે તમે કોઈના પણ આહવાનથી આકર્ષાયા વગર તમારા સ્વાસ્થ્ય અને અન્ય લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
રાજ્યમાં ઓક્સિજનનું મર્યાદિત ઉત્પાદન છે. એટલા માટે પ્રતિબંધોને હળવા કરવા માટે અમે ઓક્સિજન ઉપલબ્ધતા શરતો ઉમેરી છે. તેથી, એક જવાબદાર નાગરિક તરીકે, આપણે આ કાર્ય હાથ ધરવું જોઈએ. આમ કહીને મુખ્યમંત્રીએ કોરોનાના નિયમોનું પાલન કરીને લોકોને કોરોનાની ત્રીજી લહેરને દૂર રાખવા અપીલ કરી હતી.