Maharashtra Political Crisis: શરદ પવારની મોટી કાર્યવાહી, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેની પાર્ટીમાંથી હકાલપટ્ટી

અજિત પવારનો દાવો છે કે 40 ધારાસભ્યો તેમની સાથે આવ્યા છે અને બાકીના ધારાસભ્યો પણ તેમના સંપર્કમાં છે અને થોડા સમયમાં જ તેમની સાથે જોડાશે. જેવી સ્થિતિ હાલમાં શિવસેનામાં છે તેવી જ પરિસ્થિતિ હવે એનસીપીમાં પણ થઈ છે.

Maharashtra Political Crisis: શરદ પવારની મોટી કાર્યવાહી, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેની પાર્ટીમાંથી હકાલપટ્ટી
Sharad Pawar
| Edited By: | Updated on: Jul 03, 2023 | 6:51 PM

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલના (Maharashtra Political Crisis) એક દિવસ બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે NCP ના વડા શરદ પવારે (Sharad Pawar) સોમવારે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સામે કાર્યવાહી કરી છે. આ માટે તેમણે પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓનો સંદર્ભ આપ્યો છે. શરદ પવારે બંને નેતાઓની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. ગઈકાલે અજિત પવાર સાથે મળીને પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ NCP સામે બળવો કર્યો હતો અને એકનાથ શિંદે-ભાજપ સરકાર સાથે હાથ મિલાવ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા બદલ ત્રણ નેતાને બરતરફ કર્યા

સોમવારે શરદ પવારે એક ટ્વીટ કર્યું અને તેમાં કહ્યુ કે, હું સુનિલ તટકરે અને પ્રફુલ પટેલના નામ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ માટે NCPના સભ્યોના રજિસ્ટરમાંથી કાઢી નાખવાનો આદેશ આપું છું. ગઈકાલે NCPએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા બદલ પાર્ટીના ત્રણ નેતાઓ વિભાગીય NCP વડા નરેન્દ્ર રાઠોડ, અકોલા શહેર જિલ્લા પ્રમુખ વિજય દેશમુખ અને રાજ્ય મંત્રી શિવાજીરાવ ગર્જેને બરતરફ કર્યા હતા.

 

 

અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા

મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. અજિત પવારે રવિવારે એનસીપીમાં બળવો કરીને રાજ્યની શિંદે-ભાજપ સરકારમાં જોડાયા હતા. પાર્ટીમાં સામેલ થતાની સાથે તેમણે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અજીત પવારનો સાથ આપનારા ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ શરદ પવારે કહ્યું હતું કે, તેમને ભત્રીજા અજીત પવારના નિર્ણય સામે કોઈ વાંધો નથી, પરંતુ જનતા જ સર્વશ્રેષ્ઠ છે, તેથી તે હવે સીધા જનતા સમક્ષ જશે.

આ પણ વાંચો : Maharashtra: અજિત પવારના બળવા પર શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- સમય આવશે ત્યારે બધા મારી સાથે હશે

અજિત પવારની સાથે 40 ધારાસભ્યો

મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ સરકારમાં અજિત પવારનું સ્વાગત કર્યું અને કહ્યું કે, હવે રાજ્યમાં ટ્રિપલ એન્જિનની સરકાર છે, જેમાં હવે એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી હશે. અજિત પવારનો દાવો છે કે 40 ધારાસભ્યો તેમની સાથે આવ્યા છે અને બાકીના ધારાસભ્યો પણ તેમના સંપર્કમાં છે અને થોડા સમયમાં જ તેમની સાથે જોડાશે. જેવી સ્થિતિ હાલમાં શિવસેનામાં છે તેવી જ પરિસ્થિતિ હવે એનસીપીમાં પણ થઈ છે. એટલે કે એનસીપીમાં એક અજીત પવારનું ગૃપ અને બીજું શરદ પવારનું ગૃપ બની ગયું છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:46 pm, Mon, 3 July 23