
Baramati Airport Plane Crash: મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલું બારામતી એરપોર્ટ ફરી એકવાર વિમાન દુર્ઘટનાને કારણે ચર્ચામાં આવ્યું છે. રવિવારે બારામતી એરફિલ્ડ ખાતે એક તાલીમ વિમાન રનવે પરથી લપસી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને વિમાનમાં સવાર તાલીમાર્થી પાઇલટ સહિત બંને લોકો સુરક્ષિત હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં કાર્વર એવિએશનનું તાલીમ વિમાન સામેલ હતું. આ કંપની પાઇલટ તાલીમ માટે જાણીતી છે. ઘટના બાદ પોલીસ તેમજ સંબંધિત અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી.
બારામતીના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, તાલીમ કવાયત દરમિયાન બપોરે આશરે 12 વાગ્યે વિમાન રનવે પરથી લપસી ગયું હતું. વિમાન સવારે 6:39 વાગ્યે UTC સમયે પ્રેક્ટિસ ફ્લાઇટ માટે રવાના થયું હતું. વિમાનમાં કેપ્ટન ચિરાગ શશિકાંત દોઇફોડે અને કેડેટ અભિજીત જુન્દ્રે સવાર હતા.
પોલીસના જણાવ્યા મુજબ, વિમાન શરૂઆતમાં લિંક બ્રાવો મારફતે રનવે પર પહોંચ્યું હતું અને રનવે 29ના થ્રેશોલ્ડ પર લાઇનમાં ઊભું કરવામાં આવ્યું હતું. અહીં રિજેક્ટેડ ટેકઓફની કવાયત કરવામાં આવી હતી. ત્યારબાદ વિમાનને રનવે 11ના થ્રેશોલ્ડ પર લાવવામાં આવ્યું, જ્યાં બીજી રિજેક્ટેડ ટેકઓફ કવાયત હાથ ધરાઈ હતી.
આ કવાયત દરમિયાન વિમાન રનવે પર સંપૂર્ણપણે રોકાઈ શક્યું નહોતું અને રનવે 29ના થ્રેશોલ્ડને પાર કરી ગયું હતું. પરિણામે વિમાન રનવેની બહાર નીકળી ગયું અને અકસ્માત સર્જાયો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી.
બારામતી એરપોર્ટ પર વિમાન અકસ્માતનો આ પહેલો કિસ્સો નથી. મે 2026માં પણ રેડબર્ડ ફ્લાઇટ ટ્રેનિંગ એકેડેમીનું એક તાલીમ વિમાન ટેકનિકલ ખામી બાદ બારામતી એરપોર્ટ નજીક ક્રેશ-લેન્ડ થયું હતું. આ ઘટનામાં પણ તાલીમાર્થી પાઇલટનો બચાવ થયો હતો.
આ ઉપરાંત જાન્યુઆરી 2026માં બારામતી એરપોર્ટ પર એક ચાર્ટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવી હતી.
હવે બારામતી એરફિલ્ડ પર ફરી એકવાર તાલીમ વિમાન સાથે અકસ્માત થતાં એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા, ફ્લાઇટ ઓપરેશન, તાલીમ પ્રક્રિયા અને દેખરેખ અંગે સવાલો ઊભા થયા છે. જોકે, હાલની ઘટનાના ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસ બાદ જ વધુ સ્પષ્ટ માહિતી સામે આવશે.
મહારાષ્ટ્ર સરકારે પાંચ વર્ષના વિશેષ ઓડિટનો આદેશ આપ્યો