મુંબઈ ક્રૂઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drug Case) એક મહત્વની માહિતી બહાર આવી છે. કેસના પંચનામામાં સાક્ષી રહેલા પ્રભાકર સાઈલના (Prabhakar sail) આરોપો અનુસાર મુંબઈ પોલીસને અભિનેતા શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીની (Pooja Dadlani) બ્લુ મર્સિડીઝના CCTV ફૂટેજ મળ્યા છે. પ્રભાકરે આરોપ લગાવ્યો હતો કે આર્યનને છોડવા માટે 25 કરોડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને (Sameer Wankhede) મળવાના હતા. હવે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ કેસના અન્ય સાક્ષી કિરણ ગોસાવીની મુશ્કેલીઓમાં વધારો થશે તેમ માનવામાં આવે છે.
મળેલી માહિતી અનુસાર આ સીસીટીવી ફૂટેજ લોઅર પરેલના છે. પૂજા દદલાણીનો લોઅર પરેલ આવવાનો ઉલ્લેખ પ્રભાકર સેલની એફિડેવિટમાં છે. SIT ક્રુઝ ડ્રગ્સ કેસમાં લાંચના એંગલની તપાસ કરી રહી છે. આ સીસીટીવી ફૂટેજ દ્વારા દદલાણી અને કેપી ગોસાવીની મુલાકાતની પુષ્ટિ થઈ છે. પોલીસે પૂજા દદલાણીની કાર જોઈ હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ ફૂટેજમાં જે મહિલા દેખાઈ રહી છે તે પૂજા દદલાણી છે, આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. જણાવી દઈએ કે આર્યન ખાનને છોડવાના બદલામાં પ્રભાકર સાઈલે રિકવરીનો આરોપ લગાવ્યો છે, જેની તપાસ SIT કરી રહી છે.
ગોસાવી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેણે પૂજા દદલાણીને વચન આપ્યું હતું કે જો તેને 25 કરોડ મળશે તો તે આર્યન ખાનની ધરપકડ થતી રોકશે. આ મામલામાં SIT ટૂંક સમયમાં કેપી ગોસાવી વિરુદ્ધ કેસ નોંધશે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ગોસાવીએ સમગ્ર પ્રકરણ દરમિયાન પોતાનો પરિચય NCB અધિકારી તરીકે આપ્યો હતો. પોલીસ ટૂંક સમયમાં આ કેસમાં પુજા દદલાણીનું નિવેદન પણ નોંધી શકે છે.
પ્રભાકર સાઈલે દાવો કર્યો હતો કે દદલાણી અને ગોસાવી અને સેમ ડિસોઝા 3 ઓક્ટોબરે મળ્યા હતા. સેમ ડિસોઝા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે એક બિઝનેસમેન છે. ત્રણેય લોઅર પરેલમાં મળ્યા હતા. ક્રુઝ ડ્રગ્સ કેસમાં એનસીબીએ આર્યન ખાનને કસ્ટડીમાં લીધા બાદ આ તમામની મુલાકાત થઈ હતી. આ દરમિયાન NCBના સાક્ષી રહેલા કિરણ ગોસાવીએ શાહરૂખની મેનેજર પૂજા દદલાણીને પૈસાના બદલામાં આર્યન ખાનની ધરપકડ રોકવાની ખાતરી આપી હતી. ગોસાવી ક્રુઝ ડ્રગ કેસમાં પણ સાક્ષી છે, તેમજ ફૂટેજમાં તેની એસયુવી પર ‘પોલીસ’ લખેલું છે.
સાઈલના દાવા બાદ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં દદલાણીની બ્લુ મર્સિડીઝ તેમજ ગોસાવી અને ડી’સોઝાની ઈનોવા એસયુવી મળી આવી હતી. સીસીટીવી ફૂટેજમાં એક મહિલા મર્સિડીઝમાંથી બહાર નીકળતી જોવા મળે છે, પછી તે ગોસાવી સાથે વાત કરે છે, ત્યારબાદ બંને મહિલા કારમાં બેસી જાય છે.
ફૂટેજમાં દેખાતી આ મહિલા કોણ છે તેની પુષ્ટિ થઈ શકી નથી. પ્રભાકર સાઈલના આ દાવા બાદ પોલીસે લગભગ 10-15 સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે. આ તપાસ દરમિયાન લોઅર પરેલ વિસ્તારમાં દદલાણીની મર્સિડીઝ અને બે ઈનોવા વાહનો જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને વાહનો ગોસાવી અને ડિસોઝાના હતા.
સાઈલના દાવા મુજબ તેણે લોઅર પરેલની મીટિંગ પછી ગોસાવીને તેના વાશીના ઘરે છોડી દીધો. ગોસાવીએ સાઈલને હોટલ ટેરેડોની બહારથી પૈસા લેવા કહ્યું હતું. દરમિયાન એક વ્યક્તિ કારમાં આવ્યો અને બે બેગ આપી, તે ટ્રાઈડન્ટ હોટેલમાં ડિસોઝા પાસે લઈ ગયો. ત્યાં ડિસોઝાએ પૈસા ગણ્યા અને કહ્યું કે તે માત્ર 38 લાખ છે, એફિડેવિટમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ સાઈલે દાવો કર્યો હતો કે તેણે એક વાતચીત સાંભળી હતી, જેમાં ગોસાવી અને કેટલાક લોકો 25 કરોડની માંગની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને 8 કરોડ ચૂકવવાના હતા.
તમને જણાવી દઈએ કે સેમ ડિસોઝાએ દાવો કર્યો હતો કે તેમને દદલાણી પાસેથી 50 લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ જ્યારે ખબર પડી કે ગોસાવી છેતરપિંડી કરી છે તો તે રકમ પરત કરી દેવામાં આવી છે. ગોસાવીએ તેને કહ્યું કે તે વ્યક્તિના દબાણમાં હતો જેનો નંબર તેના ફોનમાં SW (સમીર વાનખેડે) તરીકે સેવ હતો, પરંતુ Truecaller દ્વારા ડિસોઝાને ખબર પડી કે તે નંબર સાઈલનો છે.
આ મામલામાં મુંબઈ પોલીસના અધિકારીઓએ કહ્યું કે તેઓએ ડિસોઝાને પૂછપરછ માટે બોલાવ્યા છે, પરંતુ તેઓ હજુ આવ્યા નથી. હવે SIT ગોસાવી વિરુદ્ધ કેસ નોંધી શકે છે. જોકે, પૂણે અને અંબોલી પોલીસે તેની સામે કેસ નોંધી લીધો છે. જ્યારે ગોસાવીની ગયા મહિને પૂણે પોલીસે ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Aryan Drugs Case : સેમ ડિસૂઝાની વધી મુશ્કેલી, બોમ્બે હાઈકોર્ટે ધરપકડ પુર્વની જામીન અરજી ફગાવી