વાયરલ વીડિયોમાં પૂજાની માતા મનોરમા ખેડકર હાથમાં બંદૂક સાથે નજરે પડી રહી છે. એટલું જ નહીં તે બંદૂક બતાવીને ખેડૂતોને ધમકાવી પણ રહી છે. આક્ષેપો ઉઠી રહ્યા છે કે ખેડકર પરિવારે પુણે જિલ્લાના મુલ્શી તાલુકામાં 25 એકર જમીન ખરીદી હતી. અને પછી તેમણે આસપાસના ખેડૂતોની જમીન ઉપર પણ કબજો કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, જ્યારે ખેડૂતોએ આ વાતનો વિરોધ કર્યો ત્યારે પૂજાની માતા તેના બાઉન્સરોને લઈને ખેડૂતો પાસે પહોંચી અને બંદૂક બતાવી તેમને ધમકાવ્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે સમગ્ર મામલે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની ફરિયાદ પણ નોંધવામાં ન હતી આવી.
હાલ આ જૂનો વીડિયો વાયરલ થતાં જ પૂજાના પરિવાર સામે સવાલો ઉઠી રહ્યા છે કે આવાં તો કેટ-કેટલાં કારનામા પરિવારના નામે બોલી રહ્યા છે ? આપને જણાવી દઈએ કે IAS પૂજા ખેડકરે વર્ષ 2021માં UPSC એક્ઝામ ક્લિયર કરી હતી અને તેની સત્તાવાર નિમણૂંક થઈ ત્યારથી જ તે વિવાદમાં છે.
સત્તાવાર નિમણૂંક પહેલાં પૂજાને અનુભવ મેળવવા માટે પૂણે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઑફિસમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત કરાઈ હતી. પરંતુ, પૂજાએ કલેક્ટરને મેસેજ કરીને પોતાના માટે અલગથી બેસવાની વ્યવસ્થા, કાર, રહેઠાણ તેમજ કોન્સ્ટેબલની માંગ કરી હતી. જે અયોગ્ય હતી. પૂજા પૂણેની સરકારી ઓફિસમાં પોતાની ઑડી કાર લઈને આવતી હતી. છતાં તેણે તેના પર મહારાષ્ટ્ર સરકારનું બોર્ડ લગાવ્યું હતું. તે ઑડી પર VIP નંબર પ્લેટ તેમજ લાલ લાઈટ લગાવીને ફરતી હતી. તેની કાર પર 26 હજારનો દંડ ભરવાનું બાકી હોવાના પણ ખુલાસા સામે આવ્યા છે. એટલું જ નહીં તેના પર અનેક આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.
હાલ તો પૂજાની બદલી ‘વાશિમ’માં કરી દેવાઈ છે. પરંતુ સમગ્ર મામલે હવે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જે બે અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ સોંપશે. દાવો કરાઈ રહ્યો છે કે કદાચ પૂજાનેનોકરી ગુમાવવાનો પણ વારો આવી શકે છે.