તાજેતરમાં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) સુરક્ષામાં ક્ષતિ રહી હોવાનો મોટો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ પ્રવાસ દરમિયાન એક વ્યક્તિ કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો હતો. સૌથી મોટી વાત એ છે કે આ વ્યક્તિ પોતાને આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ કહેતો હતો અને લાંબા સમય સુધી અમિત શાહની આસપાસ જ ફરતો રહ્યો. આ પછી, જ્યારે વ્યક્તિ શંકાસ્પદ બન્યો, ત્યારે મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને (Mumbai Police) જાણ કરી. બાદમાં પોલીસે પૂછપરછ બાદ વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીનું નામ હેમંત પવાર છે અને તે ધુલેનો રહેવાસી છે.
અમિત શાહે મુંબઈની બે દિવસીય મુલાકાત દરમિયાન ગત સોમવારે શહેરના મુખ્ય ગણેશ પંડાલ લાલબાગ ચા રાજાની મુલાકાત લીધી હતી અને ત્યાં ભગવાન ગણેશની પૂજા કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી. રાજ્યમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકાર બન્યા બાદ શાહ મુંબઈ પહોંચ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો.
અમિત શાહની મુંબઈ મુલાકાત પર, પોલીસે મુંબઈ ટ્રાફિક પોલીસ પર એમ્બ્યુલન્સને રોકવાનો આરોપ મૂક્યો હતો જ્યારે ગૃહ પ્રધાનનો કાફલો પસાર થઈ રહ્યો હતો. જોકે, બાદમાં ટ્રાફિક પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સમાં કોઈ ઈમરજન્સી દર્દી ન હતો અને ટેક્નિકલ ખામીને કારણે તેની સાયરન વાગી રહી હતી. અમિત શાહના કાફલાને કારણે એમ્બ્યુલન્સને રોકવાનો આક્ષેપો ખોટા છે.