મહારાષ્ટ્રમાં પાંચ મહિનામાં એક હજારથી વધુ ખેડૂતોએ કરી આત્મહત્યા, રાજ્ય સરકારે આપી લેખિતમાં માહિતી

વડેટ્ટીવારે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનારા આ ખેડૂતોમાંથી 491ને  જિલ્લા સ્તરીય સમિતિઓ દ્વારા રાજ્ય સરકારની મહાત્મા જ્યોતિરાવ ફૂલે લોન માફી યોજના માટે યોગ્ય પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ખેડૂતોને યોજના હેઠળ આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં પાંચ મહિનામાં એક હજારથી વધુ ખેડૂતોએ કરી આત્મહત્યા, રાજ્ય સરકારે આપી લેખિતમાં માહિતી
Farmers Suicide (Symbolic Image)
| Edited By: | Updated on: Dec 24, 2021 | 5:12 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) ખેડૂતોની આત્મહત્યાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્ય સરકારના મંત્રી વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં એક હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વડેટ્ટીવાર મહારાષ્ટ્ર સરકારમાં આપત્તિ વ્યવસ્થાપન, રાહત અને પુનર્વસન વિભાગના (Disaster Management, Relief and Rehabilitation Department) પ્રધાન છે. ગૃહને લેખિત માહિતી આપતાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં પાંચ મહિનામાં 1076 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

તેમણે જણાવ્યું કે ખેડૂતોની આત્મહત્યાનો આ આંકડો જૂન 2021થી ઓક્ટોબર 2021 સુધીનો છે અને ડેટા અનુસાર દરરોજ 7 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વડેટ્ટીવારે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનારા આ ખેડૂતોમાંથી 491ને  જિલ્લા સ્તરીય સમિતિઓ દ્વારા રાજ્ય સરકારની મહાત્મા જ્યોતિરાવ ફૂલે લોન માફી યોજના માટે યોગ્ય પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ખેડૂતોને યોજના હેઠળ આર્થિક મદદ પૂરી પાડવામાં આવી છે.

દેવાનો બોજ અને પારિવારિક સમસ્યાઓ આત્મહત્યાનું કારણ બની

મહારાષ્ટ્ર સરકારના મંત્રી વિજય વડેટ્ટીવારના જણાવ્યા અનુસાર, આ ખેડૂતોની આત્મહત્યાનું મુખ્ય કારણ દેવું અને તેને ચૂકવવામાં તેમની અસમર્થતા હતી. વડેટ્ટીવારે જણાવ્યું હતું કે કુદરતી આફતો અને જમીન ફળદ્રુપ ન હોવાને કારણે ખેડૂતો લોન ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતા. આ સાથે કૌટુંબિક અને અંગત સમસ્યાઓના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી અને તેઓ આત્મહત્યા જેવા પગલા ભરવા મજબૂર બન્યા હતા.

2019 માં, દર 3 કલાકે 2 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રના હતા

કેન્દ્રમાં સત્તા પર રહેલી નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા બજેટ સત્ર દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં વર્ષ 2019 દરમિયાન 5,957 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જ્યારે વર્ષ 2018માં આ આંકડો 5,763 હતો. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ફેબ્રુઆરી 2021માં કહ્યું હતું કે 2019 દરમિયાન દર ત્રણ કલાકે સરેરાશ બે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

આ આંકડાઓ અનુસાર દેશમાં ખેડૂતોની આત્મહત્યાના 45 ટકા કેસ મહારાષ્ટ્રના છે. વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં 2,680 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્ર પછી કર્ણાટકમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યાના કેસ સામે આવ્યા છે.

 

આ પણ વાંચો :  Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન