VADODARA : BJP કોર્પોરેટર નીતિન દોંગાને વિદેશના નંબર પરથી ફોન પર ધમકી મળી, જાણો સમગ્ર મામલો

| Edited By: | Updated on: Oct 22, 2021 | 4:37 PM

ગઈકાલે 21 ઓક્ટોબરે રાત્રે વિદેશના કોઈ અજાણ્યા નંબર પરથી તેમને ધમકી ભર્યો કોલ આવ્યો હતો. સમગ્ર મામલે નીતિન દોંગાની ફરીયાદને આધારે પોલીસે કોલ કરનારની તપાસ શરૂ કરી છે.

VADODARA : વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation)માં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોર્પોરેટર નીતિન દોંગા (Nitin Donga)ને ફોન પર ધમકી મળી છે… ફોન પર અજાણ્યા શખ્સે કોર્પોરેટરને કહ્યું કે, “અગર તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેંગે” સમગ્ર બાબતે વાત કરીએ તો થોડા દિવસો પહેલા કોર્પોરેટરે મસ્જિદના ગેરકાયદે બાંધકામના દબાણને દૂર કરવા રજૂઆત કરી હતી.જેને લઈને મામલો બીચકયો હતો અને ગઈકાલે 21 ઓક્ટોબરે રાત્રે વિદેશના કોઈ અજાણ્યા નંબર પરથી તેમને ધમકી ભર્યો કોલ આવ્યો હતો. સમગ્ર મામલે નીતિન દોંગાની ફરીયાદને આધારે પોલીસે કોલ કરનારની તપાસ શરૂ કરી છે.

આ અંગે Tv9 સાથે વાતચીત કરતા નીતિન દોંગાએ કહ્યું, “હું જયારે જન્મ્યો ત્યારે જ મારું મૃત્યુ થવાનું છે એ નક્કી થઇ ગયું છે, માટે હું મૃત્યુથી ડરતો નથી, મને મૃત્યુનો કોઈ ભય નથી. ધમકી એવી મળી છે અગર તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેંગે” તેમણે કહ્યું ખોટું કામ કરશો તો રોકવામાં આવશે. કોર્પોરેશનના અધિકારી દ્વારા પણ ત્યાં બાંધકામના સ્થળે નોટીસ આપી દેવામાં આવી છે. જો ગેરકાયદેસર બાંધકામ જાતે હટાવવામાં નહી આવે તો તંત્ર દ્વારા 7 દિવસની નોટીસ આપીને તે બાંધકામ દુર કરવામાં આવશે. તેમણે કહ્યું આમાં તેઓ બિલકુલ અડગ છે.

વડોદરાના તાંજલિયા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તા પાસે ઇસ્તીયા ટ્રસ્ટ દ્વારા એક મસ્જીદનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે 26 મીટરના રોડ પર બાંધકામ સમયે 6 મીટરનું માર્જીન રાખવાનું હોય છે. આ મસ્જીદના બાંધકામમાં 6 મીટરના બદલે 2 મીટરનું જ માર્જીન છોડ્યું છે અને 4 મીટરની જગ્યામાં દબાણ કરેલ છે. આ અંગે સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે બે-ત્રણ વાર પાલિકાની સભાઓમાં પણ આ મુદ્દો રજૂ કર્યો હતો. કોર્પોરેટર નીતિન દોંગાએ કહ્યું જે કઈ પણ ગેરકાયદેસર બાંધકામ છે એ ચોક્કસપણે દુર કરવામાં આવશે.

આ પણ વાંચો : RAJKOT : ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, એક મહિલા સહિત 3ની ધરપકડ

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન