
રાજ્યભરમાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં રખડતા ઢોર લોકોને અને બાળકોને અડફેટે લઈ રહ્યા છે. લોકોએ જીવ ગુમાવ્યાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તો રસ્તા પર ભર બજારમાં લોકોને પશુઓ અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતી અસંખ્ય ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આવા વીડિયો પણ રોજ બરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હાઈકોર્ટ પણ આ દિશામાં કાર્યવાહી કરવા માટે આદેશ કરી રહ્યા છે.
ત્યાં માર્ગ પર રઝળતા ઢોરને મૂદ્દે થતી કાર્યવાહીને પગલે પાલિકા કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. પાટણ શહેરમાંથી પણ રખડતાં ઢોરને પકડવા માટે કાર્યવાહી કરી હતી. એ દરમિયાન ઢોરને છોડાવી જવા માટે કેટલાક શખ્શોએ ધસી આવીને પાલીકાના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. ઘટના બાદ હવે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
પાટણ શહેરમાંથી રઝળતા ઢોરને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાલિકા દ્વારા આવા રખડતા ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાટણ શહેરના પાવર હાઉસ વિસ્તાર સહિતના સ્થળોએથી રસ્તા પર રખડતા અને રાહદારીઓ માટે જોખમી લાગી રહેલા પશુઓને પાંજરે પુરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 8 જેટલા પશુઓને પાંજરે પુરવામાં આવ્યા હતા.
પાંજરે પુરીને પશુઓને સલામત સ્થળે લઈ જઈને ત્યાં આગળની કાર્યવાહી માટે રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યાં પશુઓ ભરેલ ટ્રેક્ટર સાથેનુ ઢોર ડબ્બાનુ પાંજરુ ઉભુ હતુ એ સ્થળે પાલિકાની સરકારી ઓફિસના અધિકૃત કંપાઉન્ડમાં કેટલાક લોકો લાકડીઓ લઈને ધસી આવ્યા હતા. જેઓએ પાલિકાના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરીને ઘર્ષણ શરુ કર્યુ હતુ. ચારેક જેટલા શખ્શોએ પાલિકાના કર્મચારીઓ પર લાકડીઓ વડે માર મારીને હુમલો કરી પાંજરામાં પુરેલ પશુઓને છોડાવીને ભાગી છુટ્યા હતા. જેને લઈ આ મામલે પાલિકા કર્મચારી ભરત પટેલે પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
Published On - 10:04 am, Fri, 1 December 23