JAMNAGAR :ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ સ્થળો પર જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઢોલ નગારા તથા ફુલ હાર વડે ગામે ગામ લોકોએ ખેડુતનેતાનુ ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો.
જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રામાં પ્રવાસ દરમિયાન ખેડૂત નેતા પોતે કૃષિમંત્રી બન્યા બાદ ખેડૂત માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાની જે નેમ લીધી છે, તે મુજબ કૃષિવિભાગ કાર્યશીલ રહેવાની ખાતરી આપી.
જામનગર જિલ્લાના જોડિયા અને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેબિનેટ કૃષિપ્રધાન રાઘવજી પટેલ આશીર્વાદ યાત્રા નીકળી હતી. આ યાત્રા દરમિયાન કૃષિમંત્રીએ ધાર્મિક સ્થાનો અને મંદિરોમાં જય દર્શન કર્યા હતા અને હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત સંમેલનને પણ સંબોધન કર્યું હતું.
આશીર્વાદ યાત્રા દરમિયાન કૃષિમંત્રીએ સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકરો અને વડીલોના આશીર્વાદ મેળવ્યા સાથે જ યાત્રા દરમિયાન અનેક ધાર્મિક સ્થળોએ મુલાકાત લીધી. કૃષિમંત્રી રાઘવજી પટેલે ભાદરાના સ્વામિનારાયણ મંદિર, કુંડળીયા હનુમાન મંદિર, ખીરી હનુમાનજી મંદિર, ઇશરધામ, શેખપાટ મંદિર, જલારામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પૂજન-અર્ચન કરી સંતોના આશીર્વાદ લીધા હતા તેમજ ભાદરા બાદનપર, કુનડ, લીંબુડા, હડીયાણા, ખીરી, જાંબુડા, શેખાપાટ, ખીજડીયા, ખીમરાણા, ધુવાંવ, નાઘેડી, રાવલસર, સરમત, લાખાબાવળ, વસઈ, આમરા, બેડ, મોટીખાવડી, નાનીખાવડી, સિક્કા, હાપા સહિતના ગામોની મુલાકાત લીધી હતી.
કૃષિમંત્રીએ સંતો મહંતો, ગૌ માતા, ગ્રામ માતાઓ તથા જન સમુદાયના આશીર્વાદ લઇ જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુમાં વધુ લોક કલ્યાણના કાર્યો પૂર્ણ થાય તેમજ જામનગર જિલ્લો તથા ગુજરાત રાજ્ય વધુમાં વધુ વિકાસ કરી અપાર પ્રગતિ કરે તે પ્રકારના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે. લોકોના તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અમારું ગાંધીનગરનું નિવાસ હંમેશા ખુલ્લું રહેશે.
હાપામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ જન આશીર્વાદ યાત્રા સાથે પહોંચ્યા હતા ત્યારે હજારો ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડ ના વેપારી અગ્રણીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જ્યાં વિશાળ જનસભાને કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે સંબોધન કર્યું હતું અને હર હંમેશ લોકોની સાથે રહીને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને વધતી રહેશે તેમાં લોકોના અવિરત આશીર્વાદ મળતા રહે તે માટે અપીલ કરતા જણાવ્યું હતું કે તમામ લોકોના યથાયોગ્ય ગામને સંપૂર્ણ ન્યાય આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની વડપણ હેઠળની અમારી સરકાર કટિબદ્ધ છે.
આ ખેડૂત સંમેલન દરમિયાન સાંસદ પૂનમબેન માડમેં પણ કહ્યું હતું કે, હવે ગાંધીનગરમાં રાઘવજીભાઇને કેબિનેટ મંત્રી બનતા તેમનું નિવાસસ્થાન જામનગર હાઉસ બની રહેશે. દરેક લોકોના રાતદિવસ પ્રશ્ન સાંભળતા રાઘવજીભાઈ ખરા અર્થમાં જમીનના નેતા છે અને એટલે જ લોકો તેમને વધાવવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જે ચરિતાર્થ પણ થઈ રહ્યું છે.
જન આશીર્વાદ યાત્રા દરમિયાન હાપા ના જલારામ મંદિરે ખાસ રાઘવજીભાઈ પટેલ પહોંચ્યા હતા અને ત્યાં ગૌ પૂજન પણ કર્યું હતું. બાદમાં જલારામ મંદિરે પુજ્ય જલારામ બાપા અને તેના ગુરુ ભોજલરામ બાપાના દર્શન કરી હાપા ખાતે ચાલી રહેલા અન્નક્ષેત્રમાં ટ્રસ્ટીઓને મળી તેઓના સેવા કાર્યને પણ બિરદાવ્યા હતા.
આ પણ વાંચો : JAMNAGAR : રણમલ તળાવમાં પક્ષીદર્શન કાર્યક્રમમાં પક્ષીઓને નજીકથી જોવા પ્રકૃતિપ્રેમીઓ ઉમટી પડ્યા
Published On - 7:00 pm, Sun, 3 October 21