Botad: શનિશ્વરી અમાસ નિમિત્તે કષ્ટભંજન દેવને વિશેષ શણગાર,ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

શનિવાર  તેમજ અમાસનો વિશેષ સંયોગ  હોવાથી અહીં મોટી સંખ્યામાં  ભક્તજનો ઉમટી પડ્યા છે. દર શનિવારે લોકો પોતાની આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મેળવવા આસ્થા સાથે કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા માટે આવતા હોય છે.  

Botad: શનિશ્વરી અમાસ નિમિત્તે કષ્ટભંજન દેવને વિશેષ શણગાર,ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
| Edited By: | Updated on: Jan 21, 2023 | 12:46 PM

બોટાદ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દે મંદિર ખાતે અમાસ નિમિતે ફુગ્ગાના વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. હનુમાનજી દાદાના ગર્ભગૃહને રંગબેરંગી ફુગ્ગાથી શણગારીને કષ્ટભંજન દેવને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. સાથે જ કાજુકતરી,બરફી,પેંડા,મૈસુબ,લાડુ વિગેરે અનેક પ્રકારની મીઠાઈનો અન્નકૂટ દાદાને ધરાવવામાં આવ્યો હતો. આજે શનિવાર અને સાથે સાથે અમાસ પણ હોવાથી વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

દર શનિવારે દાદાને કરવામાં આવે છે મનમોહક શણગાર

બોટાદ ખાતે દર શનિવારે હનુમાન દાદાને મનમોહક શણગાર કરવામાં  આવે છે દ્રાક્ષ, જામફળ,સફરજન, ડ્રાયફ્રૂટના શણગાર તેમજ હિમાલય દર્શન,નીલકંઠવણી દર્શન જેવા શણગાર  અત્યાર સુધીમાં કરવામાં આવે છે. આ શણગાર એટલા સરસ હોય છે કે લોકો દર શનિવારે રાહ જોતા હોય છે કે દાદાને  કેવા શણગાર કરવામાં આવશે. આજે શનિવાર  તેમજ અમાસનો વિશેષ સંયોગ  હોવાથી અહીં મોટી સંખ્યામાં  ભક્તજનો ઉમટી પડ્યા છે. દર શનિવારે લોકો પોતાની આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મેળવવા આસ્થા સાથે કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરવા માટે આવતા હોય છે.

સ્વામિનારાયણ  ભગવાનના સંત ગોપાળાનંદ સ્વામીએ કરી હતી સ્થાપના

લાખો લોકોની વ્યાધિ અને પીડા થાય છે તેવા સાળંગપુર ધામ ખાતે હનુમાનજી મહારાજની સ્થાપના સ્વામિનારાયણ ભગવાનના વરિષ્ઠ સંત એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. એવી કથા છે કે સાળંગપુરના દરબાર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને તેમના આંગણે થઈને સંતો ભક્તો ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા પરંતુ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે વાઘા ખાચર સંતો ભક્તોની સેવા કરી શકતા નહોતા અને વ્યથિત રહેતા હતા. આવા સમયે ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું કે હું તમને પ્રતાપી હનુમાનજીની સ્થાપના કરી આપું છું અહી દેશ વિદેશથી કરોડો લોકો પોતાની વ્યાધિ દૂર કરવા આવશે. તે નિમિત્તે જે આવક થાય તેનાથી તમે સંતો ભક્તોની સેવા કરજો.

આમ કહીને તેમણે  પોતાના હાથે એક સુંદર ચિત્ર બનાવ્યું અને શિલ્પકારને આ ચિત્ર અનુસાર  કારીગરને ખૂબ જ સુંદર મૂર્તિ બનાવવા કહ્યું.  તેમણે જે  ચિત્ર બનાવ્યું હતું તેમાં હનુમાનજીએ  શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા તે જ પ્રસંગને દર્શાવતી મૂર્તિ આજે સાળંગપુર મંદિરમાં બિરાજમાન છે. ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરીને ચમત્કારિક છડી મૂકી જેના સ્પર્શથી આજે પણ અહીં કરોડો લોકોને પોતાની મૂંઝવણમાંથી અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી છૂટકારો મળે છે અને માનસિક શાતા મળે છે  અને ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છડી પણ અહીં દર્શન માટે રાખવામાં આવી છે.