
World Environment Day 2023: માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે. પ્રકૃતિ વિના જીવન શક્ય નથી. પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે. સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
પર્યાવરણ વિશે જાગૃકતાની સાથે પર્યાવરણની સામે ઉભા થયેલા પડકારો મુદ્દે પણ આ દિવસે ચર્ચાઓ થતી હોય છે. આ પડકારોમાં હવાનું પ્રદૂષણ સૌથી મોટો પડકાર છે. કારણ કે હવામાં રહેલા પ્રદૂષણની સીધી અસર વ્યક્તિ પર પડે છે. આ પ્રકારનું પ્રદૂષણ ધીમા ઝેર સમાન છે, હવામાં રહેલું પ્રદૂષણ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ દુનિયાના 90 ટકા લોકો પ્રદૂષિત વિસ્તારોમાં રહે છે.
પ્રદૂષણના ધીમા ઝેરના કારણે વર્ષે 7 મિલિયન લોકોના અકાળે મોત થાય છે. જેમાં હૃદય સંબંધિત બીમારીઓની સાથે શ્વાસને લગતી, સ્ટ્રોક અને કેન્સર પણ પ્રદૂષણના કારણે થતી ગંભીર બીમારીઓ છે. પર્યાવરણની જાળવણીના ઝડપથી અમલમાં આવે એવા બે ઉપાયો છે. એક તો ઓદ્યોગિક પ્રદૂષણ રોકવું અને બીજુ કે કુદરતી સંશાધનો વનસ્પતિ, વૃક્ષો વગેરેને નષ્ટપ્રાય થતું અટકાવવું જોઈએ. ચાલો જાણીએ એવા વૃક્ષ અને પ્લાન્ટ વિશે જે વધારે ઓક્સિજન આપે છે.
હિંદુ ધર્મમાં પવિત્ર એવું પીપળાનું વૃક્ષ 60થી 80 ફૂટ લાંબુ થઈ શકે છે અને તે સૌથી વધારે ઓક્સિજન આપે છે. જેના કારણે પર્યાવરણવિદ પીપળાનું વૃક્ષ લગાવવાનું વારંવાર કહે છે. આ વૃક્ષ જીવનભર એટલું ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે કે તે કોઈ પણ ફેક્ટરીમાં બની શકતું નથી. લીમડાને નેચરલ એર પ્યૂરીફાયર કહેવામાં આવે છે. આ વૃક્ષ પ્રદૂષિત ગેસ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર અને નાઈટ્રોજનને હવામાંથી લઈને ઓક્સિજન છોડે છે. વાતાવરણમાં હાજર ગંદા પદાર્થોને સાફ કરીને હવામાં ઓક્સિજનની માત્રામાં વધારો કરે છે.
આ પણ વાંચો : World Environment Day 2023: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શા માટે અને કેવી રીતે શરૂ થઈ?
આ ઉપરાંત જાંબુડો પણ છે, જે 50થી 100 ફૂટ સુધી લાંબો થાય છે. તેનું વૃક્ષ સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન જેવા ઝેરી ગેસને હવામાંથી શોષી લે છે. તે સિવાય અનેક દૂષિત કણોને પણ જાંબુડો પોતાનામાં ખેંચી લે છે. આસોપાલવ માત્ર હવામાં ઓક્સિજન જ છોડતું નથી પરંતુ તેના ફૂલ પર્યાવરણને સુગંધિત બનાવે છે. ઘરની નજીક આસોપાલવનું વૃક્ષ ઘણી બીમારીને પણ દૂર રાખે છે. આ વૃક્ષ ઝેરી ગેસ ઉપરાંત હવાના બીજા દૂષિત કણોને પણ ગ્રહણ કરી લે છે.
વૃક્ષારોપણની ખાસ વાત એ છે કે વૃક્ષોની પસંદગીમાં ઈકો સિસ્ટમ અને બાયોડાઇવર્સિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ માટે 24 કલાક ઓક્સિજન આપી શકે તેવા વૃક્ષો પીપળ, બદામ, કોર્ડિયા, કદમ, પંગારા અને કોનોકરપર્સ જેવા 24 કલાક ઓક્સિજન આપતા વૃક્ષોના છોડ વાવવા જોઈએ.