
ભાડાના મકાનમાં રહેવું એ કેટલાક માટે માથાનો દુખાવો બની જાય છે. મકાનમાલિકની કેટલીક શરતોનું પાલન કરવામાં, આવવા-જવા અંગેના નિયમો અને સિક્યોરિટી ડિપોઝીટ સંબંધિત નિયમો કોઈપણ ભાડુઆતને મુશ્કેલીમાં મૂકે છે. આવી સ્થિતિમાં, તમારે કેટલાક નિયમો અને અધિકારો જાણવા જોઈએ જે ભાડુઆતોને કાયદાકીય રક્ષણ આપે છે. જેથી ભાડુઆતે તેમના મકાનમાલિકના અત્યાચારોનો સામનો કરવો નહીં પડે.
જ્યારે પણ તમે કોઈ મકાન ભાડા પર લેવા જાવ ત્યારે ભાડા કરાર ખાસ કરાવો. તે સમયે તમે ખાતરી કરો કે આ ભાડા કરારમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં. જેથી તમને કાયદાકીય સુરક્ષા મળી શકે અને મકાનમાલિક તમારી સાથે મનસ્વી વર્તન ના કરી શકે.
જ્યારે પણ તમે મકાન ભાડે લેતી વખતે ભાડા કરાર કરો ત્યારે તેમાં આવી કેટલીક જરૂરી બાબતોનો ઉલ્લેખ કરો.
સૌ પ્રથમ, તમારે ભાડા કરારમાં સિક્યોરિટી ડિપોઝિટના નાણાનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. મોટાભાગના મકાનમાલિકો તેમના ભાડુઆતો પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ લે છે અને તેને પરત કરવામાં આનાકાની કરતા હોય છે અથવા તો કેટલાક બહાના બતાવીને ઓછી પરત કરતા હોય છે. ભાડા કરારમાં સિક્યોરિટી ડિપોઝીટનો ઉલ્લેખ હોવાથી, તમે સિકયોરિટી ડિપોઝીટ પાછી મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહી પડે.
ભાડા કરારમાં મકાન ખાલી કરવા અંગેની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરો. ભાડુઆત અને મકાનમાલિક એમ બંને પક્ષો પાસે ભાડે આપેલ મકાન ખાલી કરવા અથવા ભાડા કરાર સમાપ્ત કરવા માટેનો યોગ્ય રીતે પૂરતો સમય હોવો જરૂરી છે. જેના કારણે ભાડુઆતને મકાન ખલી કરવા અંગેના મકાન માલિકના મનસ્વી વલણનો ભોગ બનવું ના પડે.
ભાડા કરારમાં ઘરના સામાન્ય ઘસારો અથવા જાળવણી અંગેની બાબતોનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. મોટા ભાગે મકાન ખાલી કરતા સમયે મકાનમાલિક આનો બોજ ભાડુઆત પર નાખી દેતા હોય છે. જો કે, મકાનમાલિક પોતાની ઈચ્છા મુજબ ભાડે લીધેલા ઘરના જાળવણીનો ચાર્જ લઈ શકતા નથી.
ભાડા પર મકાન લેતા પહેલા, તમારે તેની સાથે કઈ કઈ રાચરચીલાની ઘરેલુ વસ્તુઓ મળી છે તે બરાબર તપાસવું જોઈએ. આજના ટેકનોલોજીના જમાનામાં તમે ઇચ્છો તો ભાડે લીધેલા મકાનના ફોટો પાડી અને વીડિયો ઉતારીને પણ રાખી શકો છો. તમે તમારા ભાડા કરારમાં પણ આનો ઉલ્લેખ કરી શકો છો. આને કારણે, તમે જ્યારે પણ ઘર ખાલી કરો છો તો મકાનમાલિક તેની ઈચ્છા મુજબ તમારી સિક્યોરિટી ડિપોઝિટમાંથી કોઈ રકમ કાપીને વસૂલાત કરી શકશે નહીં.