
બરમૂડા, પ્યુર્ટો રિકો અને મિયામી વચ્ચેનો સમુદ્રી વિસ્તાર, જેને આપણે 'બરમૂડા ટ્રાયંગલ' તરીકે ઓળખીએ છીએ, તે દાયકાઓથી ચર્ચાનો વિષય રહ્યો છે. 50થી વધુ જહાજો અને 20 વિમાનો ગાયબ થવા પાછળ અત્યાર સુધી અનેક અટકળો લગાવવામાં આવતી હતી, પરંતુ હવે વિજ્ઞાને આ કોયડાનો તાર્કિક ઉકેલ રજૂ કર્યો છે.

આ વિસ્તાર વિશેની વાર્તાઓ 1492માં ક્રિસ્ટોફર કોલંબસના સમયથી શરૂ થઈ હતી, જ્યારે તેમણે અહીં વિચિત્ર પ્રકાશ અને હોકાયંત્રમાં ખામી જોઈ હતી. 20મી સદીના મધ્ય સુધીમાં, આ સ્થળ પોપ કલ્ચર અને ફિલ્મોમાં એટલું લોકપ્રિય બન્યું કે લોકો તેને કોઈ બીજી દુનિયાનો દરવાજો માનવા લાગ્યા હતા.

સાઉધેમ્પ્ટન યુનિવર્સિટીના જાણીતા સમુદ્ર વિજ્ઞાની ડૉ. સાયમન બોક્સલનું માનવું છે કે આ અકસ્માતો પાછળ કોઈ અલૌકિક શક્તિ નથી. તેમના મતે, આ વિસ્તારમાં સર્જાતી 'રોગ વેવ્ઝ' (Rogue Waves) એટલે કે અતિ વિશાળ અને અણધારી લહેરો જહાજો માટે કાળ સાબિત થાય છે.

આ લહેરો સમુદ્રમાં ઉઠતી 100ફૂટ જેટલી ઊંચી પાણીની દીવાલ જેવી હોય છે. જ્યારે અલગ-અલગ દિશામાંથી આવતા તોફાનો એકબીજા સાથે ટકરાય છે, ત્યારે તેમની સંયુક્ત શક્તિથી આવી પ્રચંડ લહેરો જન્મે છે, જે ગમે તેવા મજબૂત જહાજને પળવારમાં તોડી નાખવાની ક્ષમતા ધરાવે છે.

1918માં ગાયબ થયેલા અમેરિકી નૌકાદળના વિશાળ જહાજ USS Cyclops પર ડૉ. બોક્સલની ટીમે કોમ્પ્યુટર સિમ્યુલેશન કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે જો આવી એક લહેર 542ફૂટ લાંબા જહાજની વચ્ચે અથડાય, તો તે જહાજને બે ટુકડા કરી શકે છે અને તે મિનિટોમાં ડૂબી શકે છે.

સમુદ્રની આ વિશાળ લહેરો માત્ર જહાજો જ નહીં, પણ આકાશમાં ઉડતા વિમાનોને પણ અસર કરે છે. જ્યારે આવી લહેરો અથડાય છે ત્યારે વાતાવરણમાં ભારે હલચલ (Turbulence) પેદા થાય છે, જે નીચી ઊંચાઈએ ઉડતા વિમાનોનું સંતુલન બગાડી શકે છે.

1945માં ગાયબ થયેલા પાંચ ટ્રેનિંગ વિમાનો (Flight 19) પાછળ પણ ખરાબ હવામાન અને પાયલોટની દિશાભૂલ જવાબદાર હોવાનું મનાય છે. વિજ્ઞાનીઓના મતે, માનવીય સહજ વૃત્તિ હંમેશા તથ્યો કરતા રહસ્યમય વાર્તાઓ તરફ વધુ જલ્દી આકર્ષાય છે, જેના કારણે આ સ્થળ 'શાપિત' તરીકે ઓળખાય્યું.

બરમૂડા ટ્રાયંગલનું સત્ય કદાચ રોમાંચક વાર્તાઓ જેવું નથી, પણ તે કુદરતની અસીમ શક્તિનો પરિચય જરૂર કરાવે છે. એટલાન્ટિક મહાસાગરના આ વ્યસ્ત માર્ગ પર નાવિકો અને પાયલોટોએ હંમેશા કુદરતી પડકારોનો સામનો કર્યો છે, જે સાબિત કરે છે કે સમુદ્ર પર માણસનું નિયંત્રણ મર્યાદિત છે.