ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતની અર્થવ્યવસ્થા (Economy) પણ ઘણી હદ સુધી કૃષિ પર નિર્ભર છે. તો ગામડાઓની હાલત પર પણ દેશની સ્થિતિ નિર્ભર છે. દેશની આ નિર્ભરતામાં કેટલાક એવા ગામો છે, જે પોતાની મહેનત, સર્જનાત્મકતા અને ઉત્સાહથી દેશના શહેરોને ઘણું શીખવી શકે છે.
આ પણ વાંચો GK Quiz : ભારતનું એક એવું ગામ જ્યાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે, જાણો ક્યાં આવેલું છે
ગામડાનું નામ સાંભળતા જ માટીના ઘરો, લીલાછમ ખેતરો, ખેતરમાં કામ કરતા લોકોની કલ્પના આપણા મનમાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય એવા ગામની કલ્પના કરી છે કે જ્યાં શાળા, કોલેજ, બેંક, લોકોનું જીવનધોરણ શહેરના લોકો કરતા સારું હોય કે પછી ગામડાની દરેક વ્યક્તિ લાખપતિ કે કરોડપતિ હોય?
ત્યારે આજે અમે તમને જણાવીશું કે દુનિયામાં એક એવું ગામ છે, જ્યાં દરેક વ્યક્તિ લખપતિ કે કરોડપતિ છે અને દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કારણે આ ગામ દુનિયાનું સૌથી ધનિક ગામ છે.
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું માધાપર નામનું આ ગામ વિશ્વના સૌથી ધનિક ગામોમાંનું એક છે. માધપર ગામની વસ્તી લગભગ 92,000 છે અને 7600 જેટલા ઘર છે. માધાપર ગામમાં 17 બેંકો આવેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ બેંકોમાં ગામના લોકોની 5000 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા છે. માધાપર એ કચ્છના મિસ્ત્રીઓ દ્વારા વસાવાયેલા 18 ગામો પૈકીનું એક ગામ છે. ગામની બેંકમાં માથાદીઠ સરેરાશ થાપણ 15 લાખ રૂપિયાની આસપાસ છે.
માધાપરના મોટાભાગના લોકો વિદેશમાં સ્થાયી થયા છે. આ ગામના લોકો બ્રિટન, કેનેડા, અમેરિકા, આફ્રિકા અને ગલ્ફ દેશોમાં સ્થાયી થયા છે. પરંતુ આ લોકોએ ક્યારેય તેમના ગામની કાળજી લેવાનું બંધ કર્યું નથી. વિદેશમાં સ્થાયી થયેલા લોકોએ અઢળક કમાણી કરી અને પોતાના પરિવારો અને ગામને સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત વિદેશમાં સ્થાયી થયેલા લોકો ગામના વિકાસ માટે પૈસા મોકલવાની સાથે ગામના વિકાસની પણ જવાબદારી લે છે.
માધાપર ગામના મોટાભાગના લોકો NRI છે. તેમણે દેશની બહાર રહીને પણ ગામના વિકાસમાં ફાળો આપ્યો છે. ગામમાં શાળાઓ, કોલેજો, આરોગ્ય કેન્દ્રો, મંદિરો, ડેમ, અને તળાવો બનાવવામાં આવ્યા છે. વર્ષ 1968માં લંડનમાં ‘માધાપર વિલેજ એસોસિએશન’ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય વિદેશમાં ગામની છબી સુધારવાનો અને લોકોને એકબીજા સાથે જોડવાનો હતો.