Republic Day : ત્રિરંગો ફરકાવવાના હોય છે નિયમ, ઈચ્છો ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી, જાણો

Republic Day Flag Hosting : ત્રિરંગો હંમેશા સુતરાઉ, રેશમ અથવા ખાદીના કાપડમાંથી બનેલો હોવો જોઈએ. પ્લાસ્ટિકના ધ્વજ ફરકાવવાની મનાઈ છે. ત્રિરંગાની રચના હંમેશા લંબચોરસ હોય છે. જેનો ગુણોત્તર 3:2 પર નિશ્ચિત હોય છે.

Republic Day : ત્રિરંગો ફરકાવવાના હોય છે નિયમ, ઈચ્છો ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાતો નથી, જાણો
National flag rule
| Edited By: | Updated on: Jan 26, 2023 | 10:48 AM

આજે ગણતંત્ર દિવસ છે અને આ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે દેશભરમાં વિવિધ સ્થળોએ આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્ર ધ્વજ સૌપ્રથમ 7 ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક, કોલકાતા ખાતે લાલ, પીળી અને લીલા પટ્ટાઓ સાથે ફરકાવવામાં આવ્યો હતો. આ પછી ત્રિરંગાનો આકાર ઘણી વખત બદલાયો હતો. આઝાદીના થોડા દિવસો પહેલા 22 જુલાઈ 1947ના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાની બેઠક દરમિયાન રાષ્ટ્રધ્વજનું વર્તમાન સ્વરૂપ અપનાવવામાં આવ્યું હતું.

રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કેટલાક નિયમો હોય છે. પરંતુ તેના વિશે ઘણા લોકોમાં જાગૃતિનો અભાવ છે. ત્રિરંગાને લઈને લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પણ છે. રાષ્ટ્રધ્વજના ઉપયોગ અને તેને ફરકાવવા માટે એક સંહિતા બનાવવામાં આવી છે. આ સંહિતા ત્રિરંગો ફરકાવવા માટેના નિયમો અને કાયદો નક્કી કરે છે.

ત્રિરંગાને લઈને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ત્રિરંગો રાષ્ટ્રીય સન્માનનું પ્રતિક છે અને તેનો વ્યવસાયિક રીતે પ્રતીક તરીકે ઉપયોગ કરી શકાતો નથી. ખાસ કરીને એવી રીતે જે તેના પ્રત્યે અનાદર વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે ત્રિરંગાને લઈને દેશમાં ‘ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા’ નામનો કાયદો છે. જેમાં ત્રિરંગો ફરકાવવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારને જેલ પણ થઈ શકે છે.

ત્રિરંગો હંમેશા કોટન, સિલ્ક કે ખાદીનો હોવો જોઈએ. પ્લાસ્ટિકનો રાષ્ટ્ર ધ્વજ બનાવવાની મનાઈ છે. ત્રિરંગાની રચના હંમેશા લંબચોરસ હોય છે, જેનો ગુણોત્તર 3:2 નિશ્ચિત છે. સફેદ રંગની પટ્ટીની મધ્યમાં અશોક ચક્ર હોય છે. જેમા 24 આંકા હોવા જરૂરી છે. દેશમાં માત્ર ત્રણ સ્થળોએ જ 21×14 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. જેમાં કર્ણાટકનો નરગુંદ કિલ્લો, મહારાષ્ટ્રનો પન્હાલા કિલ્લો અને મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આવેલો કિલ્લો છે.

તમે તમારા ઘરની છત પર પણ ત્રિરંગો ફરકાવી શકો છો

પહેલા સામાન્ય લોકોને તેમના ઘર કે સંસ્થાનો પર ત્રિરંગો ફરકાવવાની મંજૂરી ન હતી, જ્યારે રાત્રિ દરમિયાન પણ તેને ફરકાવવાની મનાઈ હતી. 22 ડિસેમ્બર 2002 પછી સામાન્ય દિવસોમાં પણ સામાન્ય લોકોને તેમના ઘર અથવા ઓફિસમાં ત્રિરંગો ફરકાવવાની પરવાનગી મળી હતી. વર્ષ 2009માં રાત્રે ત્રિરંગો ફરકાવવાની મંજૂરી આપવામાં આવી હતી. સ્ટેજ પર ત્રિરંગો ફરકાવતી વખતે જ્યારે વક્તાનો ચહેરો શ્રોતાઓ તરફ હોય તો ત્રિરંગો હંમેશા તેની જમણી બાજુ હોવો જોઈએ. ત્રિરંગો કોઈની પીઠ બાજુ ફરકાવી શકાતો નથી.

કઈ વસ્તુઓ પ્રતિબંધિત છે ?

રાષ્ટ્ર ધ્વજ પર કંઈપણ લખવું, બનાવવું કે કાઢી નાખવું ગેરકાયદેસર છે. તેનો ઉપયોગ કોઈપણ સામાન, ઈમારતો વગેરેને આવરી લેવા માટે થઈ શકતો નથી. કોઈપણ સંજોગોમાં રાષ્ટ્રધ્વજ જમીનને સ્પર્શવો જોઈએ નહીં. ત્રિરંગાનો ઉપયોગ કોઈપણ પ્રકારના યુનિફોર્મ કે ડેકોરેશન માટે કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ કરતાં ઊંચો અન્ય કોઈ ધ્વજ લગાવી શકાતો નથી.

રાષ્ટ્રીય શોક અથવા શહીદી સમયે ત્રિરંગાની સ્થિતિ

ભારતના બંધારણ મુજબ, રાષ્ટ્રીય વ્યક્તિના મૃત્યુ પછી, રાષ્ટ્રીય શોક જાહેર કરાય ત્યારે રાષ્ટ્રીય ધ્વજને થોડા સમય માટે નીચે રાખવામાં આવે છે. જે ઈમારતમાં સ્વર્ગસ્થ વિભૂતિનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હોય છે એ જ ઈમારતનો ત્રિરંગો ઝુકાવવામાં આવે છે. મૃતદેહને ઈમારતમાંથી બહાર કાઢ્યા બાદ ત્રિરંગો ઉંચાઈ પર લહેરાવવામાં આવે છે.

દેશની મહાન હસ્તીઓ અને શહીદોના નશ્વર દેહને ત્રિરંગામાં લપેટીને સન્માન કરવામાં આવે છે. જો કે, ત્રિરંગાની કેસરી પટ્ટી માથાની બાજુમાં અને લીલી પટ્ટી પગ તરફ હોવી જોઈએ તેનું ધ્યાન રાખવામાં આવે છે.