
ધરતી સિવાય પણ પૃથ્વીની કક્ષામાં માનવજીવન શક્ય છે. છેલ્લા 23-24 વર્ષોથી અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહીને બ્રહ્માંડને વધુ નજીકથી જાણી રહ્યા છે. અહીં અવકાશયાત્રીઓની સતત અવરજવર રહે છે. 2000 માં આ દિવસે, રશિયન અવકાશયાત્રીઓ સર્ગેઈ ક્રિકાલેવ અને યુરી ગીડઝેન્કો સાથે અમેરિકન અવકાશયાત્રી બિલ શેફર્ડે ISS પર પગ મૂક્યો હતો.
આ સ્પેસ સ્ટેશન એક મોટું અવકાશયાન છે. તે ઘર તરીકે સેવા આપે છે જ્યાં અવકાશયાત્રીઓ રહે છે. આ ઉપરાંત અહીં એક અદ્યતન લેબોરેટરી પણ છે. જેમાં અવકાશયાત્રીઓ વિવિધ સંશોધન કાર્ય કરે છે. તે લગભગ 250 માઈલ (402 કિમી)ની સરેરાશ ઊંચાઈએ પૃથ્વીની પરિક્રમા કરે છે. પરિભ્રમણ સમયે, તેની ઝડપ 17,500 માઇલ (28,163 કિમી) પ્રતિ કલાક છે. છેલ્લા 23-24 વર્ષોમાં 200થી વધારે અવકાશયાત્રીઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈ ચૂકયા છે.
ISS નો પ્રથમ ભાગ, નિયંત્રણ મોડ્યુલના રૂપમાં, નવેમ્બર 1998 માં રશિયન રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. તે પ્રારંભિક તબક્કા માટે પાવર અને સ્ટોરેજ સાથે માર્ગદર્શન પૂરું પાડે છે. આગામી બે વર્ષોમાં ઘણા ભાગો ઉમેરવામાં આવ્યા અને પ્રથમ ક્રૂ 2 નવેમ્બર 2000ના રોજ પહોંચ્યો. આ પછી પણ, જુદા જુદા સમયે ઘણા ભાગો ઉમેરવામાં આવ્યા હતા. નાસા અને વિશ્વભરના તેના અન્ય ભાગીદારોએ 2011 માં સ્પેસ સ્ટેશન પૂર્ણ કર્યું. તેમાં અમેરિકા, રશિયા, જાપાન અને યુરોપના લેબોરેટરી મોડ્યુલોનો સમાવેશ થાય છે.ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે 15 જેટલા દેશ જોડાયેલા છે.
રશિયન અવકાશયાત્રી સર્ગેઈ ક્રિકાલેવ અને યુરી ગીડઝેન્કો, યુએસ અવકાશયાત્રી બિલ શેપર્ડ સાથે, 31 ઓક્ટોબર, 2000 ના રોજ કઝાકિસ્તાનથી ઉપડ્યા. બે દિવસ પછી તેમના માટે સ્પેસ સ્ટેશનના દરવાજા ખોલવામાં આવ્યા. તે સમયે તે ત્રણ ઓરડાઓનું સ્પેસ સ્ટેશન હતું, જે એકદમ ઢીલું, ભેજવાળું અને કદમાં ખૂબ નાનું હતું. જોકે હવે આ બદલાઈ ગયું છે.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો