
સદીઓથી ભારતીય ગામડાં તેમની સરળ જીવનશૈલી, આત્મીયતા અને પરંપરાઓ માટે ઓળખાય છે. સમય બદલાયો છે, સુવિધાઓ વધી છે, પરંતુ આજે પણ કેટલાક ગામડાં પોતાની અનોખી પરંપરાઓથી સૌનું ધ્યાન ખેંચે છે. ગુજરાતનું ચાંદનકી ગામ એવાં જ ગામોમાંનું એક છે, જ્યાં કોઈ ઘરમાં ચૂલો નથી, છતાં આખું ગામ સાથે બેસીને ભોજન કરે છે અને કોઈ ભૂખ્યું રહેતું નથી.
લગભગ એક હજારની વસ્તી ધરાવતું ચાંદનકી ગામ સામૂહિક રસોડાની અનોખી પરંપરાનું પાલન કરે છે. અહીં દરરોજ આખા ગામનું ભોજન એક જ જગ્યાએ તૈયાર થાય છે અને ગ્રામજનો સાથે બેસીને ભોજન કરે છે. આ વ્યવસ્થા માત્ર ભોજન પૂરતી સીમિત નથી, પરંતુ ગામની એકતા અને સામાજિક સંવાદિતાનું પ્રતિબિંબ છે.
ગામના વડીલો જણાવ્યું કે વર્ષો પહેલા યુવાનો શહેરો અને વિદેશોમાં વસવા લાગતા ગામમાં વૃદ્ધોની સંખ્યા વધી. દરેક ઘરમાં અલગથી રસોઈ બનાવવી મુશ્કેલ બનતી જતાં, સૌએ મળીને સામૂહિક રસોઈ અને ભોજનની શરૂઆત કરી. સમય જતાં આ પરંપરા ગામની ઓળખ બની ગઈ.
આજે પણ લગભગ સો ગ્રામજનો દરરોજ રસોઈની જવાબદારી વહેંચે છે, જેથી કોઈ એક પર ભાર ન પડે. દાળ, શાકભાજી અને રોટલી સૌ સાથે તૈયાર થાય છે, જ્યારે તહેવારો અને ખાસ પ્રસંગોએ વિવિધ વાનગીઓ પણ બનતી રહે છે.
ચાંદણકીનો સામૂહિક ડાઇનિંગ હોલ હવે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં આવતા મહેમાનોને માત્ર ભોજન નહીં, પરંતુ ગામની સંસ્કૃતિ, એકતા અને સહજીવનનો અનુભવ મળે છે.
ગ્રામજનોનું માનવું છે કે ચાંદણકીમાં કોઈ એકલું નથી. એકબીજાના સુખ-દુઃખમાં સાથે ઊભા રહેવાની પરંપરાએ આખા ગામને એક પરિવાર બનાવ્યો છે. ચૂલો વગરનું આ ગામ એક એવો સંદેશ આપે છે કે સાચું સુખ સુવિધાઓમાં નહીં, પરંતુ એકતા અને સહયોગમાં વસે છે.