
આ ધરતી પર ટકી રહેવા માટે માણસને પહેલા હવા, પાણી અને ખોરકની જરુર હતી. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો, માણસે રોટી, કપડા અને મકાનની જરુર પડી. માનવ જીવનના વિકાસ સાથે અનેક વસ્તુઓ બદલાતી થઈ. માણસને જરુરી આ વસ્તુ અલગ અલગ માધ્યમથી માણસને પ્રાપ્ત થવા લાગી. શ્વાસ લેવા માટેનો ઓક્સિજન હવે બોટલમાં મળતો થઈ ગયો છે જેનો ઉપયોગ દર્દીની સારવાર સમયે, અવકાશમાં અવકાશયાત્રી અને દરિયામાં મરજીવા કરે છે. પાણી પણ હવે અલગ અલગ પ્રકારનું આવવા લાગ્યુ છે, સમય સાથે તે પાણીમાં ઘણી વસ્તુઓ ઉમેરીને જયુસ પીવામાં આવે છે. ખોરાકની તો વાત જ ના પૂછો, પહેલા આદિમાનવકાળમાં માણસ પ્રાણીઓનો શિકાર કરીને ખાતા હતા, કેટલાક લોકો શિકારના મળે તો માણસને પણ ખાતા હતા. હાલમાં પણ આવા પ્રાણીઓને મારીને બનતી વાનગીઓ બને છે. પણ તે સિવાય પણ આખા વિશ્વમાં અલગ અલગ દેશોમાં હજારો ખાવાની વાનગીઓનું (Food Dish) નિર્માણ માનવ જાતે કર્યુ છે. તેમાની જ એક વાનગી છે છોલે ભટુરે (Chhole Bhature).
ખાવાની વાત આવે તો ભલભલાના મોંમા પાણી આવી જાય છે. ખાવા માટે આજે માણસ પાસે હજારો ફળ, શાકભાજી અને વાનગીઓ છે. માણસ પોતાની સમજણ અને ક્રેએટિવિટીથી અનેક વાનગીઓ બનાવતો રહે છે. જે વર્ષોથી સુધી લોકોની પ્રિય રહે છે. ગુજરાતમાં પણ ખાવા માટે એકથી એક ચઢીયાતી ફૂડ ડિશ છે. સુરતનો લોચો, વડોદરાના મિસલ પાઉં, અમદાવાદનું મસકા બન, જામનગરની કચોરી સહિત જલેબી-ફાફડા, ખમણ અને ઢોકળા જેવી હજારો ફૂડ ડિશ ગુજરાતની ઓળખ છે. આ અહેવાલમાં આપણે વાત કરીશું, દેશની રાજધાની દિલ્હીની પ્રખ્યાત ફૂડ ડિશ છે છોલે ભટુરે.
દિલ્હીના લોકોની ફેવરિટ ફૂડ ડિશ એટલે છોલે ભટુરે. મસાલેદાર ચણા અને ડીપ-ફ્રાઇડ પુરીઓની ડિશ એટલે છોલે ભટુરે. આના જેવી જ એક ફૂડ ડિશ છે છોલે કૂલચે. જેમાં ભટુરેની જગ્યાએ કૂલચે હોય છે. લોકો તેની સાથે ડુંગળી, અથાણું અને લસ્સી પણ લે છે. આ સ્વાદિષ્ટ વાનગી ખાવા દિલ્હીમાં સવારથી લોકોની લાઈન લાગે છે. દિલ્હીમાં ફરવા આવતા લોકો પણ આનો સ્વાદ ચાખીને જ જાય છે. ચાલો જાણીએ તેનો ઈતિહાસ.
1947નું વિભાજન એ ભારતીય સંઘને બે ભાગમાં વિભાજિત કરવા માટે દોરવામાં આવેલી રેખા ન હતી. તે પરિવારો અને પ્રેમ, સંસ્કૃતિઓ અને ધોરણોનું વિભાજન હતું. આ જ અરાજકતા વચ્ચે પેશોરી લાલ લાંબા નામના એક વ્યક્તિ લાહૌરથી સ્થળાંતરીત થઈ દિલ્હીમાં વસ્યા. તેમણે ગુજરાન ચલાવવા માટે દિલ્હીના કનોટ પ્લેસમાં ક્વાલિટી રેસ્ટોરન્ટની સ્થાપના કરી અને તેના આઇકોનિક છોલે સાથે, સેન્ડવીચ અને અન્ય નાસ્તા પીરસવાનું શરૂ કર્યું. ધીરે ધીરે દિલ્હીના લોકોમાં તે ફેવરિટ ડિશ બની ગઈ.
એક બીજા સજ્જન વ્યક્તિ સીતા રામ દિલ્હીમાં આ ડિશ લાવ્યા હોવાની વાત પણ કહેવાય છે. તે પોતાના પુત્ર દીવાન ચંદ સાથે પશ્ચિમ પંજાબથી દિલ્હીમાં સ્થળાંતરીત થયા હતા. તેમણે 12 આનામાં આ ડિશ વેચવાની શરુઆત કરી હતી. આજે તેમનો પૌત્ર તેમની દુકાન સાચવે છે. આ ડિશ ભલે કોઈ પણ લાવ્યુ હોય પણ આજે તે દિલ્હીની સાથે સાથે આખા દેશની પ્રિય ફૂડ ડિશમાંથી એક છે.