
ઇતિહાસના (History) મુઘલ સમ્રાટ અકબરને તો લગભગ દરેક લોકો જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે અકબરના (Akbar) અંત:પુરમાં લગભગ 5000 મહિલાઓ હતી. અકબરના અંત:પુરમાં રહેલી દરેક સ્ત્રીની પોતાની એક અલગ વાર્તા રહેલી છે. ઈતિહાસકાર કાદિર બદાયુની લખે છે કે આ એવી સ્ત્રીઓ હતી જેમનો દરજ્જો તેમની બેગમ કરતા અલગ હતો. જહાંગીરનામામાં નોંધાયેલો ઈતિહાસ કહે છે કે, મુઘલ સમ્રાટ અકબરને 25 પત્નીઓ હતી, પરંતુ મુખ્યત્વે ત્રણ રૂકૈયા સુલતાન, સલીમા સુલતાન અને મહારાણી હીરા કુંવર હતી. જો કે તેના હરમમાં (અંત:પુરમાં) રહેલી સરકાર શેઠની પુત્રવધુની વાત અલગ છે. આવો અમે તમને આ કહાની સંભળાવીએ.
એક વખત બાદશાહ અકબર હરણનો શિકાર કરવા મથુરા પાસે આવ્યા હતા. શિકાર દરમિયાન તેમને માહિતી મળી કે, દિલ્હીમાં સ્થિતિ સામાન્ય નથી. ઉપદ્રવ શરૂ થયો છે. આ માહિતી મળતાં જ અકબર સૈનિકો સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા. તેમણે આગ્રામાં થોડો સમય વિતાવ્યો. તેમના રોકાણ દરમિયાન, તેમણે વિચાર્યું કે દિલ્હી અને આગ્રાના રહીશોને તેમના રજવાડા સાથે જોડવા જોઇએ.
આ વિષયમાં ચર્ચા માટે અકબર આગ્રાના સરદાર શેખ બદાહને મળ્યા. આ એ સમય હતો કે જ્યારે રાજનૈતિક-કૂટનીતિક સંબંધોનો પાયો લગ્ન દ્વારા નાખવામાં આવ્યો હતો. આગ્રામાં પણ આવું જ થયું. સરદાર શેઠ બાદશાહ સાથે જોડાવા સંમત થયા. શહેરમાં આ ચર્ચા સામાન્ય થતાં જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. શહેરના ધનિકો માટે આ સમાચાર પરેશાન કરનારા હતા, કારણ કે તેમના પર દબાણ વધ્યું હતું.
આગ્રા મુલાકાત દરમિયાન એક વખત બાદશાહ જ્યારે મોર્નિંગ વૉક કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર શેખ બદાહના પુત્ર અબ્દુલ-બસીની પત્ની પર પડી. અબ્દુલ-બસીની પત્ની ખૂબ જ સુંદર હતી. તેને જોઈને અકબરે લગ્નનો આગ્રહ કર્યો. તે મહિલા વિશે માહિતી મેળવ્યા બાદ અકબરે શેખને પત્ર મોકલ્યો. પત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે અકબર તે મહિલા સાથે લગ્ન કરવા માગે છે. આ વાંચીને પિતા-પુત્ર પર આકાશ તૂટી પડ્યું. બંનેમાં ગુસ્સો અને નારાજગી હતી, પરંતુ અકબરનો વિરોધ કરવો તેમના હાથમાં નહોતું. વિરોધ ન કરવા પાછળનું એક કારણ મુઘલ કાયદો હતો.
તે સમયે, મુઘલ કાયદો અમલમાં હતો, આ કાયદા પ્રમાણે જો સમ્રાટની કોઈ સ્ત્રી પર નજર હોય, તો તેનો પતિ તેને છૂટાછેડા આપવા માટે બંધાયેલો હતો. શેખના કિસ્સામાં પણ એવું જ થયું. તેના પુત્રને આખરે તેની પત્નીને છૂટાછેડા આપવા પડ્યા. પત્નીને છૂટાછેડા આપ્યા પછી, તેણે શહેર છોડીને ડેક્કન રાજ્યમાં જવું પડ્યું. તેની પત્ની આવી અને બીજી બધી સ્ત્રીઓની જેમ રાજાના હરમમાં સામેલ થઇ ગઇ.
આવી ઘટનાઓ એ જમાનામાં સામાન્ય હતી જ્યારે સમ્રાટો પોતાની લક્ઝરી માટે લોકોનું જીવન બરબાદ કરતા હતા અને બળજબરીથી છૂટાછેડા લેવડાવતા હતા. મુઘલ બાદશાહ અકબરના સમકાલીન ઈતિહાસકાર અબ્દુલ કાદિર બદાયુનીએ પોતાના પુસ્તક ‘મુન્તખાબ-ઉત-તવારીખ’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
કાદિર બદાયુની લખે છે, મુઘલોનું હરમ હંમેશા વિદેશથી આવતા લોકો માટે ઉત્સુકતાનો વિષય હતો. ઈતિહાસકાર થોમસ રો લખે છે કે મુઘલોમાં અલગ અલગ ધર્મ અને સંસ્કૃતિની મહિલાઓ હરમમાં હાજર રહેતી. તે તેમની લક્ઝરીના પ્રતીક તરીકે પણ જાણીતું હતું. સ્ત્રીઓને પોતાની મરજીથી બહાર આવવા જવાની છૂટ નહોતી. તેનું એકમાત્ર કામ આખો દિવસ પડદા પાછળ રહીને બાદશાહને ખુશ રાખવાનું હતું.
દરબારીઓને હરમની સ્ત્રીઓને લઈ જવાનો અધિકાર હતો, પરંતુ બાદશાહની પરવાનગીથી. હરમમાં કેટલીક એવી પણ સ્ત્રીઓ હતી કે જેમને ઘરે લઇ જવા માટે દરબારીઓ વચ્ચે તલવાર યુદ્ધ પણ છેડાઇ જતુ.
Published On - 10:05 am, Tue, 20 September 22