
ભારતમાં સ્વતંત્રતા દિવસ હોય કે પ્રજાસત્તાક દિવસ તેની શરૂઆત 21 તોપની સલામીથી જ થાય છે. તમને જણાવી દઈએ કે, સૌપ્રથમવાર આ તોપ ચલાવવાની પરંપરા 14મી સદીમાં શરૂ થઈ હતી. એવામાં ચાલો જાણીએ કે, 21 તોપોની સલામી કોને અને કેમ આપવામાં આવે છે.
ભારતમાં રાષ્ટ્રપતિ, સૈન્ય પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓના અંતિમ સંસ્કાર દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવે છે. તદુપરાંત ઉચ્ચ રેન્કના સૈન્ય અધિકારીઓ જેમ કે નેવી, આર્મી અને એરફોર્સના ચીફને 17 તોપોની સલામી આપવાની પરંપરા છે.
જણાવી દઈએ કે, રાજકીય સન્માનમાં મૃતદેહને તિરંગાથી લપેટી લેવામાં આવે છે. રાજકીય સન્માન માટે પસંદ થયેલી વ્યક્તિના અંતિમ સંસ્કારની તમામ વ્યવસ્થા રાજ્ય કે કેન્દ્ર સરકાર કરે છે. આ દરમિયાન બંદૂક વડે પણ સલામી આપવામાં આવે છે.
અગાઉ આવું સન્માન ફક્ત વર્તમાન કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીઓને મળતું હતું. જો કે, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વાત એમ છે કે, રાજકીય સન્માન કોણે આપવું તે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
હાલની વાત કરીએ તો, સાહિત્ય, કલા, વિજ્ઞાન કે કાયદા ક્ષેત્રે જે લોકો યોગદાન આપે છે તેમના નિધન પર રાજકીય સન્માન આપવામાં આવે છે અને તેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
21 તોપોની સલામી મહાનુભાવોના પ્રત્યે શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રીય માન-સન્માન વ્યક્ત કરવા માટે આપવામાં આવે છે. જ્યારે મહાનુભાવોનું અવસાન થાય છે, ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં દેશ તરફથી આ ખાસ માન આપવામાં આવે છે.