અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નો વિવાદો સાથે જૂનો સંબંધ છે. તેની સાથે જોડાયેલો એક નવો મામલો સામે આવી રહ્યો છે, જેમાં ન્યૂયોર્કમાં રહેતા એક વ્યક્તિ પર તેનું અપહરણ કરીને હત્યા કરવાનો આરોપ છે. આ પછી પોલીસે તે વ્યક્તિની ધરપકડ કરી છે. બ્રુકલિન ન્યુ યોર્ક(New York)માં પ્રોસિક્યુટર્સ કહે છે કે, થોમસ મેલ્નિક નામના વ્યક્તિએ ઇરાદાપૂર્વક યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મારી નાખવા, અપહરણ કરવાની અને શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.
તેણે આ ધમકી વર્ષ 2020માં આપી હતી, જ્યારે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ન્યૂયોર્ક પોલીસને કહ્યું હતું કે, જો ટ્રમ્પ 2020ની ચૂંટણી હારી જશે અને પદ છોડવાનો ઈન્કાર કરશે તો તે હથિયાર ઉઠાવશે અને તેમને મારી નાખશે. મેલ્નિક પર ગયા વર્ષે જાન્યુઆરીમાં ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં સિક્રેટ સર્વિસની ઓફિસમાં બે વૉઇસ મેઇલ મેસેજ મોકલવાનો પણ આરોપ છે. જેમાં તેણે ટ્રમ્પ (Donald Trump)તેમજ કોંગ્રેસ (Congress)ના 12 અજાણ્યા સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી.
જેમાં તેણે કહ્યું હતું કે, ‘હા, તે ધમકી છે. આવો અને મારી ધરપકડ કરો. હું તેને મારવા માટે કંઈપણ કરીશ.’ મેલ્નિક પર ગયા નવેમ્બર મહિનામાં ન્યૂયોર્ક સિટીમાં સિક્રેટ સર્વિસ ડેસ્ક પર ત્રણ વખત ફોન કરવાનો અને દરેક વખતે નામથી ઓળખાણ આપવાનો આરોપ છે. આટલું જ નહીં, ગયા મહિને અન્ય એક કોલમાં તેણે કહ્યું હતું કે, નવું ગૃહ યુદ્ધ ફાટી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ટૂંક સમયમાં પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તેને Truth Social નામ આપવામાં આવ્યું છે. આ અંગે ટ્રમ્પે કહ્યું છે કે, ‘અમે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ટ્વિટર પર તાલિબાનની મોટી હાજરી છે, જ્યારે તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યા છે.તેમનું જૂથ કહેવાતા ઉદારવાદી મીડિયાનો હરીફ છે. તેમણે ઉમેર્યું કે તેમના Truth Socialનું બીટા વર્ઝન નવેમ્બરમાં આમંત્રિત વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે.
આ મુજબ આ પ્લેટફોર્મ ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ (TMTG)ની માલિકીનું હશે. જે સબસ્ક્રિપ્શન વીડિયો ઓન ડિમાન્ડ સર્વિસ લોન્ચ કરી શકે છે, જેમાં ‘નોન-વોક’ એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામિંગ હશે. ટ્રમ્પે આવું એટલા માટે કર્યું છે કારણ કે, તેમના પર ફેસબુકથી લઈને ટ્વિટર સુધી લગભગ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.