
થેલેસેમિયા (Thalassemia) એ એક વારસાગત રક્ત વિકાર રોગ છે, જેમાં શરીર પૂરતું હિમોગ્લોબિન (Hemoglobin) બનાવવામાં નિષ્ફળ જાય છે. જેના પરિણામે લાલ રક્ત કોશિકાઓ (Red Blood Cells) નબળી પડી જાય છે અને નાશ પામે છે. સામાન્ય પણે 2 પ્રકારના થેલેસેમિયા જોવા મળે છે : આલ્ફા અને બીટા… જેમાં થેલેસેમિયા માઈનોર, થેલેસેમિયા ઈન્ટરમીડિયા અને થેલેસેમિયા મેજર પેટા કેટેગરી છે. રોગગ્રસ્ત થયેલી લાલ રક્ત કોશિકાઓ આગળ જતા, એનિમિયા, શ્વાસ લેવામાં અત્યંત તકલીફ, ભારે થાક લાગવો અને અનિયમિત ધબકારા જેવી ઘણી સમસ્યાઓનું કારણ પણ બને છે.
વિશ્વ થેલેસેમિયા દિવસનો ઉદ્દેશ્ય આ ગંભીર બીમારી વિશે જાગૃતિ લાવવાનો છે, અને દર્દીઓ, તેમના પરિવારજનો અને આરોગ્ય સંભાળ કાર્યકરોને તેની સામે લડવા માટે માહિતી સાથે સહાય કરવાનો છે.
વિશ્વ થેલેસેમિયા દિવસ દર વર્ષે આજે એટલે કે 8 મેના રોજ ઉજવવામાં આવે છે. થેલેસેમિયા ઈન્ટરનેશનલ ફેડરેશન (TIF) દ્વારા પ્રથમ વખત 1994માં TIFના સ્થાપક પેનોસ એંગ્લેઝોસના પુત્ર જ્યોર્જ એંગ્લેઝોસની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બીમારીમાં તેણે જીવ ગુમાવ્યો હતો. ત્યારથી, આ પ્રસંગ દર વર્ષે મનાવવામાં આવે છે.
આ વર્ષની વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણીની થીમ છે, “જાગૃત રહો, શેર કરો, સંભાળ રાખો.” આ થીમ ઉલ્લેખ કરે છે, કે સમગ્ર વિશ્વમાં થેલેસેમિયા વિશે જાગૃતિ વિકસાવવી અને ફેલાવવી અને આ રોગથી અસરગ્રસ્ત લોકોની સંભાળ રાખવી, એ આ વર્ષની ઇવેન્ટના મુખ્ય ક્ષેત્રો છે.
આ વર્ષે આ થીમનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાંથી તમામ વ્યક્તિઓને થેલેસીમિયા રોગ સામેની લડાઈમાં જોડાવાની પ્રેરણા આપવાનો અને આ રોગના દર્દીઓને આરોગ્ય અને સામાજીક સમર્થન, અત્યંત કાળજી સાથે પ્રદાન કરવાનો છે.
ઇન્ડિયન નેશનલ હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઈટનો અંદાજ છે કે, ભારતમાં દર વર્ષે લગભગ 10,000થી 15,000 શિશુઓ થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. વૈશ્વિક સ્તરે, આ સંખ્યા વધીને આશરે 300,000થી 500,000 બાળકો સુધી પહોંચે છે. ભારતમાં લગભગ 67,000 દર્દીઓ બીટા થેલેસેમિયાથી આજે પીડિત છે.
વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી એ અર્થમાં નોંધપાત્ર છે કે, તેનો હેતુ થેલેસેમિયા સાથે જન્મેલા બાળકોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. કેટલાક લોકો થેલેસેમિયાના સાયલન્ટ કેરિયર્સ હોય છે અને તેઓ તેમના બાળકો દ્વારા આ રોગ ફેલાવી શકે છે. તેથી, આવા સાઇલન્ટ વાહકોને શોધવા માટે યોગ્ય તપાસ જરૂરી છે. આ વર્ષે વૈશ્વિક ઇવેન્ટ દ્વારા આ મુદ્દાઓ પર જનતાને શિક્ષિત કરવાનો ઉદ્દેશ્ય પણ છે.