રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) પશ્ચિમી દેશોને ધમકી આપતા કહ્યું છે કે, જો કોઈ દેશ યુક્રેનમાં દખલ કરશે તો તેઓ પરમાણુ હુમલો કરશે. તેમણે કહ્યું કે, આ કાર્યવાહી “વીજળીની ઝડપે” કરવામાં આવશે. તે જ સમયે, પુતિને દાવો કર્યો હતો કે, પશ્ચિમી દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાની તેમની યોજનામાં નિષ્ફળ ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, જે પણ દેશ વર્તમાન યુક્રેન યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે તેને સખત રશિયન કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે, આ સ્થિતિમાં મોસ્કો કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે.
પુતિને સેન્ટ પિટ્સબર્ગમાં ધારાશાસ્ત્રીઓને કહ્યું, “જો કોઈ બહારથી જે થઈ રહ્યું છે તેમાં દખલ કરવાનો ઈરાદો ધરાવતો હોય, તો તેણે જાણવું જોઈએ કે આ રશિયા માટે અસ્વીકાર્ય વ્યૂહાત્મક ખતરો હશે.” તેમને ખબર હોવી જોઈએ કે, જવાબી હુમલા માટે આપણો પ્રતિભાવ ઝડપી હશે. ખૂબ જ ઝડપી.’ તેમણે આગળ કહ્યું કે, અમારી પાસે જરૂરી તમામ હથિયારો છે. અન્ય કોઈ આ શસ્ત્રો વિશે બડાઈ કરી શકે નહીં અને અમે તેમના વિશે બડાઈ નહીં કરીએ, પરંતુ અમે તેનો ઉપયોગ કરીશું. તેણે પશ્ચિમી દેશો પર યુક્રેનને સંઘર્ષમાં ધકેલવાનો આરોપ લગાવ્યો.
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, પશ્ચિમી દેશો પર આર્થિક પ્રતિબંધોને મજબૂત કરવાની યોજના નિષ્ફળ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રૂબલ (રશિયન ચલણ), બેંકિંગ સિસ્ટમ, પરિવહન ક્ષેત્ર અને અર્થતંત્ર પ્રતિબંધો સામે એકસાથે ઉભા છે. જો કે, પુતિનના દાવાથી વિપરીત, તેમની સરકારનું કહેવું કંઈક બીજું છે. હકીકતમાં, રશિયાના અર્થતંત્ર મંત્રાલયને અપેક્ષા છે કે, દેશનો જીડીપી 8.8 ટકા ઘટશે. જો સ્થિતિ વધુ વણસે તો 12.4 ટકાનો ઘટાડો થઈ શકે છે. આના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે રશિયા પર આર્થિક પ્રતિબંધોની અસર દેખાઈ રહી છે.
પુતિને વિધાન પરિષદને જણાવ્યું હતું કે, યુક્રેનમાં કહેવાતી વિશેષ કામગીરી યોજના હેઠળ આગળ વધી રહી છે. અમારા સૈનિકો અને અધિકારીઓએ વાસ્તવિક ખતરાને અટકાવ્યો છે. આ ખતરો આપણી માતૃભૂમિ પર મંડરાઈ રહ્યો હતો. તેમની હિંમત અને બહાદુરી દ્વારા મોટા પાયે સંઘર્ષને અટકાવવામાં આવ્યો હતો. આ સંઘર્ષ આપણા પ્રદેશમાં ફેલાઈ ગયો હોત. તેમણે યુક્રેનને રશિયા સાથે યુદ્ધ કરવા માટે દબાણ કરવા માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી આ યુદ્ધને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આ યુદ્ધમાં અત્યાર સુધી બંને પક્ષોને ભારે નુકસાન થયું છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો