
Vladimir Putin Net Worth: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આવતીકાલે (4Dec) એ તેની બે દિવસની ભારત યાત્રાએ આવી રહ્યા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે બિઝનેસ સંબંધિત અનેક ડિલ થવાની સંભાવના છે. પુતિનની ગણતરી દુનિયાના સૌથી અમીર નેતાઓમાં થાય છે. તેમની અઘોષિત સંપત્તિ અબજો ડૉલરની હોઈ શકે છે.
ધ વીક અનુસાર, 73 વર્ષીય પુતિનની વાર્ષિક કમાણી જ $140,000 (આશરે રૂ. 1.26 કરોડ) કમાય છે. અહેવાલ મુજબ, તેમની પાસે 800 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ, એક ટ્રેલર અને ત્રણ કાર છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે તેમની સંપત્તિ આના કરતા ઘણી વધારે છે, કારણ કે પુતિને તેમની ઘણી સંપત્તિ છુપાવી રાખી છે.
પુતિનની જાહેર કરેલી સંપત્તિ અને મિલકતો કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. એકતરફ જ્યાં પુતિન 800 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ, એક ટ્રેલર અને ત્રણ કારના માલિક હોવાનો દાવો કરે છે, પરંતુ તેમની વિશાળ, વૈભવી મિલકતોની અફવાઓ સતત ફેલાઈ રહી છે. આમાં બ્લેક સીના કિનારે બનેલો 1,90,000 વર્ગ ફુટનો એક કિલ્લા જેવુ વિશાળ ઘર પણ સામેલ છે, આ સાથે 19 અન્ય ઘર પણ છે.
જેની કિંમત આશરે 1.4 બિલિયન ડોલર હોવાનું કહેવાય છે. આ બ્લેક સી વાળા ઘરના “પુતિનની દેહાતી કોટેજ” તરીકે ઓળખવામાં આવે છે.
પૂતિનના વિશાળ ઘરની છત પર સુંદર કલાત્મક ચિત્રો અને દિવાલોને ગ્રીક દેવતાઓની મૂર્તિઓથી સજાવવામાં આવી છે. આ મહેલમાં એક સ્વિમિંગ પૂલ પણ છે. બાથરૂમમાં 850 ડૉલર (લગભગ 76 હજાર રૂપિયા) નું ઈટાલિયન ટૉયલેટ બ્રશ અને 1250 ડૉલર (1.13 લાખ રૂપિયા) નો ટૉયલેટ પેપર હોલ્ડર લાગેલો છે. અહીં દિવસ-રાત 40 કર્મચારીઓ કામ કરે છે. તેની દેખરેખમાં વર્ષે 20 લાખ ડૉલરનો ખર્ચ આવે છે.
પુતિન લક્ઝરી ઘડિયાળોનો પણ શોખીન છે. ફોર્ચ્યુન અનુસાર, પુતિન ઘણીવાર ઉચ્ચ કક્ષાની લક્ઝરી ઘડિયાળો પહેરતા જોવા મળે છે, જે તેમની વાર્ષિક આવક કરતાં ઘણી વધારે કિંમતની હોય છે. તેમની પાસે અનેક ઘરો, સેંકડો કાર અને ડઝનબંધ વિમાનો અને હેલિકોપ્ટર હોવાની પણ અફવા છે. પુતિન પાસે 58 વિમાનો અને હેલિકોપ્ટર હોવાના અહેવાલ છે, જેમાં “ધ ફ્લાઇંગ ક્રેમલિન” નામનું $716 મિલિયનનું વિશાળ વિમાન પણ સામેલ છે. તેમાં $75,000 (આશરે રૂ. 67 લાખ)નું સોનાનું બનેલું શૌચાલય હોવાનું પણ કહેવાય છે.
પુતિનની સંપત્તિનો સ્ત્રોત હજુ પણ રહસ્ય છે. એવું કહેવાય છે કે તેમણે અગ્રણી રશિયાના અગ્રણી ઉદ્યોગપતિઓને ડરાવી ધમકાવીને રોકડ અને કંપનીના શેર પડાવી લીધા. સીએનએન અનુસાર, જો તેઓ ના પાડે તો તેમની ધરપકડ અથવા તેનાથી પણ બદ્દતર ધમકી આપવામાં આવતી હતી. 2018 માં, બ્રાઉડરે એક પ્રસારણકર્તાને જણાવ્યું હતું કે તેમની સંપત્તિ સરકારી તિજોરીમાંથી ખંડણી અને મોટા પાયે ચોરીનું પરિણામ છે.