ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો ખુલશે રસ્તો, અમેરિકી સરકારે લીધો આ મોટો નિર્ણય

આ પગલા પર રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે ખુબ જ લાંબા સમયથી દાયકાઓથી ઈમિગ્રેશન સિસ્ટમ વિખરાયેલી છે. અમારા દેશના મૂલ્યોને સંરક્ષિત રાખતા દેશ સુરક્ષિત થશે, સરહદો સુરક્ષિત થશે, લોકોની સાથે નિષ્પક્ષતાથી વ્યવહાર થશે.

ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો ખુલશે રસ્તો, અમેરિકી સરકારે લીધો આ મોટો નિર્ણય
File Image
| Updated on: Feb 06, 2024 | 7:26 AM

અમેરિકી સંસદમાં ભારતીય ઈમિગ્રેન્ટસને લઈ એક મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટ નામના આ પ્રસ્તાવ હેઠળ H1B વિઝા ધારકોના પાર્ટનર્સને અમેરિકામાં રોજગારનો અધિકાર અને તેમના પુખ્ત બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઈ છે. જો કે H1B વિઝા ધારકોના પાટર્નર અને બાળકોને H4 વિઝા ઈશ્યુ કરવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ શ્રેણીમાં 1 લાખ H4 વિઝાધારક છે, જેને આ એગ્રીમેન્ટથી ફાયદો થવાની અપેક્ષા છે.

અમેરિકી સીનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક નેતૃત્વની વચ્ચે લાંબી વાતચીત બાદ રવિવારે નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટ રજૂ કરવામાં આવ્યુ. અમેરિકી સરકારનો આ પ્રસ્તાવ તે હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે, જે લાંબા સમયથી ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહ્યા છે. ગ્રીન કાર્ડ ના મળવાના કારણે H1B વિઝાધારકોના પાર્ટનર અમેરિકામાં કામ કરી શકતા નથી અને તેમના બાળકો પર ડિપોર્ટેશનનો ખતરો સતત રહે છે.

જણાવી દઈએ કે ગ્રીન કાર્ડને અમેરિકામાં સત્તાવાર રીતે સ્થાયી નિવાસ કાર્ડ તરીકે માનવામાં આવે છે. આ અમેરિકામાં પ્રવાસીઓને ઈશ્યુ કરી આપવામાં આવતો દસ્તાવેજ છે, જેની હેઠળ વિઝાધારકને સ્થાયી રીતે રહેવાનો અધિકાર આપવામાં આવે છે. ગ્રીન કાર્ડ ઈશ્યુ કરવા માટે પ્રતિ દેશ મુજબ એક સીમા નક્કી હોય છે.

આ પગલા પર રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે ખુબ જ લાંબા સમયથી દાયકાઓથી ઈમિગ્રેશન સિસ્ટમ વિખરાયેલી છે. અમારા દેશના મૂલ્યોને સંરક્ષિત રાખતા દેશ સુરક્ષિત થશે, સરહદો સુરક્ષિત થશે, લોકોની સાથે નિષ્પક્ષતાથી વ્યવહાર થશે.

શું છે નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટ?

નેશનલ સિક્યોરિટી એગ્રીમેન્ટ 118.28 અરબ ડોલરનું એક પેકેજ છે, જેની જાહેરાત રવિવારે કરવામાં આવી. આ એગ્રીમેન્ટ હેઠળ સરહદની સુરક્ષા, ઈઝરાયેલ અને યુક્રેન યુદ્ધમાં મદદ કરવાની સાથે સાથે ઈમિગ્રેશનથી જોડાયેલી જોગવાઈ પણ સામેલ છે, જેનાથી ઈમિગ્રેન્ટસ વિશેષ રીતે ભારતીય સમુદાયના લોકોને ખુબ જ લાભ થશે.

આ બિલમાં H1B વિઝાધારકોના પુખ્ત બાળકોને સુરક્ષિત કરવા, આ શ્રેણીના વિઝાધારકોના પાર્ટનરને રોજગારનો અધિકાર આપવા અને ગ્રીન કાર્ડ કોટાને વધારવાની માગ કરવામાં આવી છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે એવા આસાર જોવા મળી રહ્યા છે કે આ બિલ સંસદના બંને ગૃહમાંથી પાસ થઈ જશે.

H1B વિઝાધારકોના બાળકોને પણ લાભ

તેની સાથે જ ભારતીયય અમેરિકી ઈમિગ્રેન્ટસના બાળકોને પણ લાભ મળશે. આ બિલ હેઠળ લાંબા સમય માટે એચ1બી વિઝાધારકોના બાળકોને સંરક્ષણ મળશે. તેની હેઠળ આગામી 5 વર્ષ સુધી દર વર્ષે 18000 લોકોને રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મળશે.

શું છે H1B વિઝા?

H1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. H1B વિઝા સામાન્ય રીતે તે લોકોને આપવામાં આવે છે, જે અમેરિકામાં કામ કરવા માટે આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વીઝા અમેરિકી કંપનીઓમાં કામ કરનારા એવા કુશળ કર્મચારીઓને રાખવા માટે આપવામાં આવે છે, જેમની અમેરિકામાં અછત છે. ત્યારબાદ તેને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ વિઝાની માન્યતા 6 વર્ષની હોય છે. અમેરિકી કંપનીઓની ડિમાન્ડના કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ આ વિઝા સૌથી વધારે મેળવે છે. જે લોકોના એચ-1બી વિઝાનો સમય પૂર્ણ થઈ જાય છે તો તે અમેરિકી નાગરિકતા માટે એપ્લાય કરી શકે છે. એચ-1બી વિઝાધારક વ્યક્તિ પોતાના બાળકો અને પત્નીની સાથે અમેરિકામાં રહી શકે છે.