Breaking News : અમેરિકાએ જ ભારતીય ખલાસીઓ વાળા જહાજ પર કર્યો હમલો.. કબૂલાત કરી જાહેર કર્યો વીડિયો

અમેરિકાએ ઓમાનના અખાતમાં MT Jalveer સહિત ઈરાન સંબંધિત તેલ ટેન્કરો પર લશ્કરી કાર્યવાહી કરી છે, જેમાં ભારતીય ખલાસીઓ સામેલ હતા. MT Setabelo પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા.

Breaking News : અમેરિકાએ જ ભારતીય ખલાસીઓ વાળા જહાજ પર કર્યો હમલો.. કબૂલાત કરી જાહેર કર્યો વીડિયો
| Updated on: Jun 11, 2026 | 9:48 PM

અમેરિકાએ ઓમાનના અખાતમાં ગિની-બિસાઉ ધ્વજવાળા તેલ ટેન્કર MT Jalveer સામે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી છે. ખાસ વાત એ છે કે સતત ત્રીજા દિવસે ભારતીય ખલાસીઓ સવાર હોય એવા જહાજને અમેરિકન દળોએ નિશાન બનાવ્યું છે. આ પહેલાં MT Marivex અને MT Setabelo પર પણ અમેરિકાએ કાર્યવાહી કરી હતી. MT Setabelo પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.

MT Jalveerને કેમ નિશાન બનાવવામાં આવ્યું?

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર MT Jalveer ઈરાનથી તેલ લઈને ઓમાનના અખાતમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાનો દાવો છે કે આ જહાજ ઈરાન સામે લાગુ કરાયેલા પ્રતિબંધો અને નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. વધુમાં, અમેરિકી દળોની વારંવારની સૂચનાઓ છતાં જહાજના ક્રૂએ જરૂરી સહકાર આપ્યો નહોતો.

આ પછી અમેરિકી સૈન્યએ કાર્યવાહી હાથ ધરી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ, એક અમેરિકન વિમાને જહાજના એન્જિન રૂમને નિશાન બનાવી બે હેલફાયર મિસાઇલો ફાયર કરી હતી, જેના કારણે જહાજને કાર્યરત સ્થિતિમાંથી બહાર કરવામાં આવ્યું.

CENTCOMએ શું કહ્યું?

યુએસ સેન્ટ્રલ કમાન્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું કે MT Jalveer ઈરાની તેલના પરિવહનમાં સામેલ હતું. અમેરિકી દળોએ જહાજને અનેક વખત રોકાવા અને તપાસ માટે સહકાર આપવા સૂચના આપી હતી, પરંતુ તેનો યોગ્ય પ્રતિસાદ ન મળતા આ કાર્યવાહી કરવામાં આવી.

CENTCOMએ આ કાર્યવાહીનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં જહાજ સામેની સૈન્ય કાર્યવાહી દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે.

અગાઉ પણ બે જહાજો પર થઈ હતી કાર્યવાહી

આ પહેલાં અમેરિકાએ MT Marivex અને MT Setabelo નામના જહાજોને પણ નિશાન બનાવ્યા હતા. અમેરિકાનો દાવો છે કે Marivex ઈરાની બંદર તરફ જઈ રહ્યું હતું, જ્યારે Setabelo ઈરાની તેલનું પરિવહન કરી રહ્યું હતું.

MT Setabelo પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા, જેના કારણે સમગ્ર ઘટનાએ ગંભીર રાજદ્વારી સ્વરૂપ ધારણ કર્યું છે.

ભારતે અમેરિકાને નોંધાવ્યો કડક વિરોધ

ભારતે MT Setabelo અને MT Jalveer પર થયેલી કાર્યવાહી અંગે અમેરિકાની સામે સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતીય ખલાસીઓના મોત અને તેમની સુરક્ષાને લઈને ભારત સરકારે નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવીને પોતાની ચિંતા અને અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ભારતનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આવા હુમલાઓ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા જરૂરી છે.

અત્યાર સુધી કેટલા જહાજો સામે કાર્યવાહી?

અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, 13 એપ્રિલથી શરૂ કરાયેલી નાકાબંધી દરમિયાન અત્યાર સુધી કુલ નવ જહાજોને અક્ષમ કરવામાં આવ્યા છે, કારણ કે તેમણે અમેરિકી દળોની સૂચનાઓનું પાલન કર્યું નહોતું.

આ ઉપરાંત, 135 જેટલા જહાજોને પોતાનો માર્ગ બદલવાની ફરજ પડી હતી, જ્યારે માનવતાવાદી સહાય સામગ્રી લઈ જતા 42 જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા, વેપાર માર્ગો અને ભારતીય ખલાસીઓની સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે. ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે આગામી દિવસોમાં વધુ રાજદ્વારી ચર્ચા થવાની શક્યતા છે.

ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો સ્માર્ટ મીટર માર્કેટમાં જલવો.. એક ડીલથી આવી રીતે થશે ફાયદો

Follow Us