રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ (Russia-Ukraine War)પાંચમા મહિનામાં પહોંચી ગયું છે. રશિયન હુમલાએ અત્યાર સુધી યુક્રેનમાં ભારે વિનાશ સર્જ્યો છે. અને મોટાભાગના શહેરોમાં કાટમાળ બધે જ દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે મહિનાઓથી ચાલેલા યુદ્ધ છતાં યુક્રેન હજુ પણ સંઘર્ષ કરી રહ્યું છે. અમેરિકા તરફથી તેને સતત મદદ આપવામાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને (Joe Biden)કહ્યું કે તેમનું પ્રશાસન રશિયાના આક્રમણ સામે લડવા માટે યુક્રેનને ટૂંક સમયમાં US $ 800 મિલિયનની સુરક્ષા સહાય આપશે.
રાષ્ટ્રપતિ જો બાયડેને મેડ્રિડમાં જણાવ્યું હતું કે યુએસ તરફથી નવી સહાયમાં એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ્સ, કાઉન્ટર બેટરી રડાર અને હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ (HIMARS) માટે વધારાનો દારૂગોળો સામેલ હશે, જેને વહીવટીતંત્ર પહેલેથી જ યુક્રેન મોકલી ચૂક્યું છે. યુક્રેનને વધુ સહાયની ખાતરી આપતા, બાયડેને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં યુએસ વહીવટીતંત્ર દ્વારા પેકેજને ઔપચારિક રીતે વિસ્તૃત કરવામાં આવશે.
યુએસ તરફથી મદદનો આ નવો નિર્ણય યુએસ કોંગ્રેસ દ્વારા ગયા મહિને પસાર કરવામાં આવેલા સુરક્ષા અને આર્થિક સહાયના યુએસ $ 40 બિલિયન પેકેજનો એક ભાગ છે.
કટોકટી અંગે પીએમ મોદી-રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વાતચીત
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે યુક્રેન સંકટને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવાના ભારતના જૂના વલણને પુનરાવર્તિત કર્યું. વડા પ્રધાન કાર્યાલય (PMO) તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેલિફોનિક વાતચીત દરમિયાન, બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય ઊર્જા અને ખાદ્ય બજારોની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
અગાઉ, બંને નેતાઓ વચ્ચે 24 ફેબ્રુઆરી, 2 માર્ચ અને 7 માર્ચે ફોન પર વાતચીત થઈ હતી. કારણ કે તે સમયે ભારતીય નાગરિકો, મોટાભાગે વિદ્યાર્થીઓ, યુક્રેનમાં યુદ્ધના કારણે ફસાયા હતા.
બંને નેતાઓએ જૂના નિર્ણયોના અમલીકરણની સમીક્ષા કરી હતી
પીએમઓ અનુસાર, બંને ટોચના નેતાઓએ ડિસેમ્બર 2021માં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયોના અમલીકરણની સમીક્ષા કરી હતી. તેઓએ ખાસ કરીને કૃષિ ચીજવસ્તુઓ, ખાતરો અને ફાર્મા ઉત્પાદનોમાં દ્વિપક્ષીય વેપારને વધુ કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય તેના પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું.
યુક્રેનની વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ અને મુત્સદ્દીગીરીના સમર્થનમાં ભારતના જૂના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો, એમ પીએમઓએ જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર નિયમિત ચર્ચા ચાલુ રાખવા માટે પણ સંમત થયા હતા.
તે જ સમયે, રશિયન સમાચાર એજન્સી તાસે ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય) પ્રેસને ટાંકીને કહ્યું કે બંને નેતાઓએ પરસ્પર ફાયદાકારક આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-રશિયા સંબંધો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. ક્રેમલિન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ ભારત અને રશિયા વચ્ચે વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાની પરસ્પર ઈચ્છા વ્યક્ત કરી હતી.
Published On - 10:04 am, Sat, 2 July 22