
અમેરિકામાં વિદેશી નાગરિકોની સુરક્ષા અને ઓળખ ચકાસણી માટે નવા પ્રવેશ અને બહાર નીકળવાના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ ફેરફારો ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરવા કે કામ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને કામદારો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમેરિકી સરકાર સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ઇમિગ્રેશન પ્રક્રિયામાં સતત સુધારાઓ કરી રહી છે.
આ નવા નિયમો મુજબ, 26 ડિસેમ્બરથી ગ્રીન કાર્ડ ધારકો સહિત તમામ બિન-નાગરિકો માટે બાયોમેટ્રિક તપાસ ફરજિયાત કરવામાં આવી છે. આ તપાસ એરપોર્ટ, દરિયાઈ બંદરો અને જમીન સરહદો સહિત તમામ સરહદી પ્રવેશ બિંદુઓ પર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ, કામદારો અને અન્ય બિન-નાગરિકોને અમેરિકામાં પ્રવેશ કરતી વખતે અથવા બહાર નીકળતી વખતે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
આગામી વર્ષ 2026માં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જશે તેવી શક્યતા છે. તે સાથે ભારતીય કામદારો પણ નોકરી માટે અમેરિકામાં પ્રવેશ કરશે. આવા સમયમાં નવા નિયમોની જાણકારી હોવી ખૂબ જરૂરી બની જાય છે, જેથી પ્રવેશ અને બહાર નીકળવાની પ્રક્રિયા સરળ બની શકે. ગ્રીન કાર્ડ ધારકો માટે પણ આ નિયમો એટલા જ લાગુ પડે છે.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટકાળ દરમિયાન વિદેશી નાગરિકો માટેના ઇમિગ્રેશન નિયમોમાં સતત ફેરફાર કરવામાં આવ્યા છે. બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમ પણ એ જ શ્રેણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સાથે H-1B વિઝા નિયમોમાં થયેલા ફેરફારો પણ વિદેશી કામદારો માટે મહત્વપૂર્ણ સાબિત થયા છે.
હવે, જો કોઈ વિદ્યાર્થી અથવા કામદારો યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરે છે, તો યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારીઓ તેમનો ફોટોગ્રાફ લેશે. જરૂર જણાય તો ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ સ્કેન પણ લેવામાં આવશે, જેથી મુસાફરી દસ્તાવેજો સાથે વ્યક્તિની ઓળખ મેળ ખાઈ શકે. આ સમગ્ર પ્રક્રિયા એ સુનિશ્ચિત કરવા માટે છે કે વિઝા ધારક અને પ્રવેશ કરનાર વ્યક્તિ એક જ છે.
આ નિયમો હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 79 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. અગાઉ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમુક સરહદી સ્થળોએ આ પ્રક્રિયા અમલમાં હતી, પરંતુ હવે તેને દેશવ્યાપી રીતે ફરજિયાત બનાવવામાં આવી છે.
અમેરિકી સરકારનું કહેવું છે કે બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવાથી રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બને છે. વર્ષ 2017માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બાયોમેટ્રિક એન્ટ્રી-એક્ઝિટ ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ પાયલોટ પ્રોગ્રામને કાયમી સ્વરૂપ આપ્યું.
નવા નિયમો અમલમાં મૂકતા પહેલા, CBP દ્વારા ટ્રાવેલર વેરિફિકેશન સર્વિસ નામની ક્લાઉડ આધારિત સિસ્ટમ વિકસાવવામાં આવી હતી. આ સિસ્ટમ ચહેરાના બાયોમેટ્રિક્સને મુસાફરી દસ્તાવેજો સાથે મેળવે છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા વિદેશી નાગરિકોની ઓળખ સરળ બનાવે છે, અધિકારીઓ પરનું દબાણ ઘટાડે છે અને ગુનેગારો, શંકાસ્પદ આતંકવાદીઓ તથા વિઝા છેતરપિંડીને રોકવામાં મદદરૂપ બને છે.
ડૉક્ટર-એન્જિનિયરો શા માટે છોડી રહ્યા છે ‘નાપાક’ દેશ ? જાણો કારણ