સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સોમવારે પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની 1267 ISIL અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. યુએનએસસીના ઠરાવ મુજબ મક્કી હવે પૈસાનો ઉપયોગ કરી શકશે નહીં. તે શસ્ત્રો ખરીદી શકતો નથી અને તેના હાલના અધિકારક્ષેત્રની બહાર મુસાફરી કરી શકશે નહી. એક પ્રકારે તે નજરકેદ રહેશે.
ઉલ્લેખનીય છે કે, યુએસ સરકારે મક્કી પર $2 મિલિયનનું ઈનામ જાહેર કર્યું હતું. યુએન સિક્યુરિટી કાઉન્સિલના નિર્ણય પહેલા જ વોશિંગ્ટન અને દિલ્લીએ સ્થાનિક કાયદાઓ હેઠળ મક્કીને આતંકવાદી તરીકે જાહેર કર્યો છે. ભારતમાં, અબ્દુલ રહેમાન મક્કી પર જમ્મુ અને કાશ્મીરમાં હિંસા અને હુમલાઓ કરાવવા માટે, યુવાનોને આંતકી કામકાજ માટે ફંડિંગ આપવા, આતંકી પ્રવૃતિઓ માટે ભરતી કરવા અને કટ્ટરપંથી બનાવવાનો આરોપ છે. મક્કી લશ્કર-એ-તૈયબા (LeT) એટલે કે જમાત-ઉલ-દાવા (JuD)ની રાજકીય પાંખનો વડો પણ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારત અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ પણ લાવ્યું હતું. પરંતુ ચીને ભારતના પ્રસ્તાવને રોકી દીધો હતો. જૂનમાં ભારતે પણ આ મુદ્દે ચીનની આકરી ટીકા કરી હતી.
મક્કી ભારત વિરૂદ્ધ સતત ઝેર ઓકવાને કારણે ચર્ચામાં રહ્યો છે. વર્ષ 2010માં પુણેની જર્મન બેકરીમાં બ્લાસ્ટના 8 દિવસ પહેલા તેણે મુઝફ્ફરાબાદમાં ભાષણ આપ્યું હતું અને પુણે સહિત ભારતના ત્રણ શહેરોમાં આતંકવાદી હુમલા કરવાની ધમકી ઉચ્ચારી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, 2020 માં, પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે મક્કીને ટેરર ફાઇનાન્સિંગના મામલામાં દોષી ઠેરવ્યો હતો. પરંતુ તેના પછી તેની સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી.
Published On - 8:46 am, Tue, 17 January 23