Russia-Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવને જોતા યુદ્ધની શક્યતાઓ ઉભી થઈ રહી છે. રશિયાએ યુક્રેનની સરહદ(Russia-Ukraine Tensions) પર એક લાખ 30 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં આધુનિક હથિયારો પણ તૈનાત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, રશિયા બુધવારે યુક્રેન પર હુમલો કરી શકે છે.
રશિયાએ આ હુમલાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તે આવું કરવાનો ઇરાદો નથી. હવે વૃદ્ધો અને બાળકોએ હથિયાર ઉઠાવવાનું શરૂ કર્યું છે. યુક્રેનની 79 વર્ષની વેલેન્ટિના કોન્સ્ટેન્ટિનોવસ્કા (Valentyna Konstantinovska)ની તસવીરો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે AK-47 સાથે જોઈ શકાય છે. કોન્સ્ટેન્ટિનોવસ્કાએ કહ્યું છે કે, જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપશે તો તે તેના શહેરનો બચાવ કરશે. 2014માં સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ વૃદ્ધોએ સેના બનાવી છે.
મારીયુપોલની રહેવાસી કોન્સ્ટેન્ટિનોવસ્કાએ કહ્યું, ‘મને મારું શહેર ગમે છે. હું તેને છોડવાનો નથી. પુતિન અમને ડરાવી શકે નહીં. હા આ થોડી પરેશાન કરનારી સ્થિતિ છે. પરંતુ અમે છેલ્લા શ્વાસ સુધી યુક્રેન માટે ઉભા રહીશું.શહેરમાં લોકોને હથિયારનો ઉપયોગ કરવા અને પોતાનો બચાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બંદૂકનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
રાજધાની કિવમાં ચાર વર્ષ સુધીના બાળકો લાકડાની બંદૂકો સાથે તાલીમ લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ પણ હથિયારો સાથે જોવા મળ્યા હતા. યુએસ પ્રમુખ જો બાઈડનના વહીવટીતંત્રે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેન પર આક્રમણ કરશે અને આ મુદ્દાના રાજદ્વારી ઉકેલ માટે આગ્રહ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. અમેરિકા પણ યુક્રેનને સતત સૈન્ય મદદ મોકલી રહ્યું છે, જેથી તે પોતાની સેનાને મજબૂત કરી શકે.