તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ હવે સતત કાટમાળમાંથી મૃત હાલતમાં લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતથી ટીમ મોકલી ભૂકંપગ્રસ્ત તુર્કીમાં ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળમાંથી આઠ વર્ષની બાળકીને બચાવી લેવામાં આવી છે. એક સત્તાવાર પ્રવક્તાએ શુક્રવારે આ માહિતી આપી. એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તુર્કી સેનાના જવાનો સાથે ગાઝિયનટેપ પ્રાંતના નુરદાગી શહેરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ 19 હજાર લોકોના મોત તુર્કીમાં થયા છે. બીજી તરફ સીરિયામાં મૃત્યુઆંક ત્રણ હજાર છે. વિશ્વ બેંકે ભૂકંપગ્રસ્ત તુર્કી અને સીરિયા માટે $1.78 બિલિયનની સહાય મંજૂર કરી છે. આ રકમ બચાવ-રાહત કાર્યો અને પુનઃનિર્માણ પાછળ ખર્ચવામાં આવશે.
ભૂકંપથી તબાહ થયેલા તુર્કી અને સીરિયાની હૃદયદ્રાવક તસવીરોનો કોઈ અંત નથી. તબાહી વચ્ચે અહીં વરસાદની મોસમ પણ શરૂ થઈ ગઈ છે અને આ મુશ્કેલ સમયમાં બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. યુરોપ નજીકના બે દેશો તુર્કી અને સીરિયામાં આ અઠવાડિયે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના 100 કલાક બાદ હવે કાટમાળમાંથી લોકોને જીવતા શોધવાની આશા ખતમ થઈ રહી છે પરંતુ ચમત્કારો થતા રહે છે.
તુર્કીમાં આ દિવસોમાં હવામાનમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ અને હિમવર્ષા વચ્ચે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. અહીં બચાવ કાર્ય દરમિયાન અદનાન મુહમ્મદ નામનો યુવક પણ મળી આવ્યો હતો, જે ભૂકંપ બાદ કાટમાળ નીચે દટાઈ ગયો હતો અને પોતાનો જ પેશાબ પીધા બાદ પણ જીવતો હતો. રેસ્ક્યુ ટીમે હવે અદનાન મુહમ્મદને હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ટીનેજર અદનાન મુહમ્મદ કોરકુટ ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપ શહેર નજીક મળી આવ્યો હતો.
તુર્કીમાં તીવ્ર ઠંડીના કારણે લાખો લોકો બેઘર બન્યા છે. તુર્કીમાં બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભારત ઉપરાંત અમેરિકા અને અન્ય સહયોગી દેશો તરફથી પણ ઘણી મદદ મળી રહી છે. પરંતુ સીરિયામાં સ્થિતિ હજુ પણ કથળી રહી છે. ગૃહયુદ્ધથી તબાહ થયેલ સીરિયા, મર્યાદિત સંસાધનો સાથે ભયાનકતામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સીરિયાનો મુખ્ય મદદગાર દેશ રશિયા આ દિવસોમાં યુક્રેન સાથે ગૂંચવણમાં છે.
Published On - 9:53 am, Sat, 11 February 23