Breaking News: “સિંધુ નદી પર ડેમ બન્યો તો અમે એટેક કરી દઈશુ”, પાકિસ્તાનના રક્ષામંત્રીએ ભારતને આપી લુખ્ખી ધમકી

પહલગામ આતંકી હુમલો કરીને પાકિસ્તાન પોતાની જાત બતાવી ચૂક્યું છે અને એવામાં પાકિસ્તાનના રક્ષામંત્રીએ ભારતને લુખ્ખી ધમકી આપી છે.

Breaking News: સિંધુ નદી પર ડેમ બન્યો તો અમે એટેક કરી દઈશુ, પાકિસ્તાનના રક્ષામંત્રીએ ભારતને આપી લુખ્ખી ધમકી
| Updated on: May 03, 2025 | 5:31 PM

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. પ્રવાસીઓ પર કરાયેલા કાયરતાપૂર્ણ હુમલાનો જવાબ ભારત જડબાતોડ રીતે આપવા તૈયાર છે. જણાવી દઈએ કે, ભારત સરકારે સિંધુ જળ સંધિ, આયાત-નિકાસ અને પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારના જાહેર જોડાણ પર પ્રતિબંધ લાદ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત પર હુમલો કરવાની ધમકી આપી છે.

ખ્વાજા આસિફે કહ્યું છે કે, જો ભારત સિંધુ નદી પર કોઈપણ પ્રકારનો ડેમ બનાવીને પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તેને પાકિસ્તાન પર સીધો હુમલો કર્યો તેવું માનવામાં આવશે. સિંધુ નદી પર ડેમ બાંધવાથી બંને દેશો વચ્ચેના પાણી કરારનું ઉલ્લંઘન થશે. જો ભારત આવું કંઈક કરશે તો પાકિસ્તાન શાંત નહીં બેસે અને તેના પર હુમલો કરશે.

પાણી રોકવું એ પણ યુદ્ધનું એક સ્વરૂપ છે – ખ્વાજા

જિયો ન્યૂઝ સાથે વાત કરતા, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, એક પક્ષ દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવી એ તેનું ઉલ્લંઘન છે. જો ભારત પાણી રોકવા અથવા વાળવા માટે કોઈ બાંધકામ કરશે, તો અમે તે માળખા પર હુમલો કરીશું અને તેનો નાશ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, યુદ્ધ ફક્ત તોપો અને બંદૂકોથી લડવામાં આવતું નથી; પાણી રોકવું એ પણ એક પ્રકારનું યુદ્ધ છે. પાણી વિના લોકો ભૂખ્યા અને તરસ્યા મરી શકે છે.

પાકિસ્તાન દ્વારા કરાયેલા આતંકી હુમલાથી સમગ્ર ભારત દેશ રોષે ભરાયું છે. પાકિસ્તાને કરેલ હુમલા બાદ ભારત સરકારે સિંધુ જળ સંધિ પર રોક લગાવી દીધી છે. આનાથી પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. અગાઉ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથેની વાતચીતમાં, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિને 250 મિલિયન પાકિસ્તાનીઓની જીવનરેખા ગણાવી હતી.

ભારતના એક્શનથી પાકિસ્તાન ટેન્શનમાં

પાકિસ્તાની સાંસદ બિલાવલ ભુટ્ટોએ પણ સિંધુ જળ સંધિ પર પ્રતિબંધ બાદ ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભુટ્ટોએ કહ્યું હતું કે, સિંધુ નદી પાકિસ્તાનની છે. આ નદીમાં પાકિસ્તાનનું પાણી વહેશે અથવા તેમનું લોહી વહેશે. આ સિવાય હવે પાકિસ્તાનના રક્ષામંત્રી આ મુદ્દા પર ભારત પર હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે. જો કે, ખરી વાસ્તવિકતા એ છે કે ભારત જે પ્રમાણે એક પછી એક એક્શન લઈ રહ્યું છે તેને જોઈને સમગ્ર પાકિસ્તાન ફફળાટમાં આવી ગયું છે.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.