
પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસના આતંકવાદીઓએ, ગત 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હિચકારો હુમલો કર્યો ત્યારે તેઓ નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ હમાસના આતંકીઓએ જે ડ્રગનું સેવન કર્યું હતું તે કેપ્ટાગોન હતું. એવું કહેવાય છે કે, આ ડ્રગ્સ મોટાભાગે દક્ષિણ યુરોપમાં તૈયાર કરવામાં આવે છે. જે સિન્થેટિક એમ્ફેટામાઈન પ્રકારનું ઉત્તેજક ડ્રગ્સ છે. દક્ષિણ યુરોપમાંથી તુર્કી થઈને અરબ દ્વીપકલ્પમાં તેની મોટા પાયે દાણચોરી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગત 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર આડેઘડ આશરે 5000 મિસાઈલો છોડી હતી.
ઈઝરાયેલમાં હુમલો કરનારા આતંકીને ઈઝરાયેલના સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. ઈઝરાયેલના સુરક્ષાદળોના હાથે માર્યા ગયેલા ઘણા આતંકવાદીઓના ખિસ્સામાંથી કેપ્ટાગોન ડ્રગની ગોળીઓ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે કેપ્ટાગોન ડ્રગને ગરીબોનું કોકેન કહેવામાં આવે છે. કેપ્ટાગોનનું સેવન કર્યા પછી આતંકવાદીઓએ કંઈપણ અનુભવવાનું બંધ કરી દીધું હતું. પરિણામ એ આવ્યું કે તેઓએ લોકોને અત્યંત ક્રૂરતાથી મારી નાખ્યા. એટલું જ નહીં, કેપ્ટાગોન ડ્રગના નશાની અસર એવી થવા પામી હતી કે, હમાસના આતંકવાદીઓ કલાકો સુધી સતર્ક રહેતા હતા, અને ડ્રગ્સના સેવનના કારણે તેમની ભૂખ પણ મરી ગઈ હતી.
કૅપ્ટાગોનનું નામ પહેલી વાર 2015માં ચર્ચામાં આવ્યું હતું. ત્યારબાદ ISISના આતંકવાદીઓએ હુમલા દરમિયાન તેમનો ડર દૂર કરવા માટે કેપ્ટાગોન ડ્રગ્સનું સેવન કરતા હતા. ISIS જેવા આતંકવાદી સંગઠનોનો પ્રભાવ વિશ્વ અને ખાસ કરીને મુસ્લિમ દેશોમાંથી ઓછો થતાંની સાથે જ લેબનોન અને સીરિયા સમર્થિત આતંકી સંગઠનોએ તેની બાગડોર સંભાળી. આ પછી તેમણે મોટા પાયે ડ્રગ્સનું ઉત્પાદન અને વિતરણ કરવાનું શરૂ કર્યું. આમાં, કેપ્ટાગોન ડ્રગ્સ ગાઝાના યુવાનોમાં ખૂબ લોકપ્રિય બન્યુ હતુ. આ ડ્રગ્સ Captagon ની કિંમત જેવો દેશ તેવો વેશ તે કહેવતની માફક વિશ્વના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ જોવા મળે છે. જે કોઈ ગરીબ દેશ હોય ત્યાં તે માત્ર એક કે બે ડોલરમાં જ સરળતાથી ઉપલબ્ધ છે. જ્યારે સમૃદ્ધ કહેવાતા દેશોમાં આ ડ્રગ્સની કિંમત પ્રતિ એક ગોળીના 20 ડોલરે પહોંચી જાય છે.
મળતી માહિતી મુજબ કેપ્ટાગોનની દાણચોરી ISISના સભ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે. કેપ્ટાગોન સહીતનુ ડ્રગ્સ સીરિયા માટે પણ આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયુ છે, જેને હિઝબુલ્લાહનું પણ ખુલ્લેઆમ સમર્થન છે. એક અંદાજ અનુસાર, 2020માં એકલા સીરિયામાંથી કૅપ્ટાગોનની નિકાસ ઓછામાં ઓછી $3.5 બિલિયન સુધી પહોંચી ગઈ હતી. આ સીરિયાના કાયદેસરની નિકાસ કરતા ઉદ્યોગોના સંયુક્ત મૂલ્ય કરતાં પાંચ ગણું હતું. કેપ્ટાગોનની દાણચોરીમાં હિઝબુલ્લાહની પણ ભાગીદારી હોવાનું કહેવાઈ રહ્યું છે.