
ઓમાનના કિનારા નજીક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પરથી પસાર થઈ રહેલા પનામાના ફ્લેગવાળા એક કોમર્શિયલ જહાજ MT On Peace પર મંગળવારે 06 સપ્ટેમ્બરે પ્રોજેક્ટાઈલ (મિસાઈલ/રોકેટ) વડે હુમલો થયો.
આ હુમલામાં જહાજ પર સવાર 12 ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે, જેમાંથી 11 ભારતીય મૂળના છે. વિદેશ મંત્રાલયે (MEA) આ અંગે માહિતી આપી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ જહાજ પર કુલ 19 ક્રૂ મેમ્બર સવાર હતા. આમાંથી 17 ભારતીય નાગરિકો છે. હુમલા બાદ ઓમાનના સત્તાધીશો અને કોસ્ટ ગાર્ડની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ઘાયલ ક્રૂ મેમ્બર્સને જહાજમાંથી સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે ઓમાનના ખાસાબ શહેરમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારત સરકારે આ ઝડપી સહાય બદલ ઓમાન પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો છે.
ભારતે કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ વિસ્તારમાં જહાજો પર સતત થઈ રહેલા હુમલા ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે.
Statement on the attack on a commercial vessel MT On Peace, off the coast of Oman
https://t.co/nuE2vv3x8k https://t.co/9KE13wy5UY
— Randhir Jaiswal (@MEAIndia) October 6, 2026
MEA એ જણાવ્યું કે, કોમર્શિયલ જહાજો, નાવિકો અને નાગરિક બુનિયાદી માળખાને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. ભારતે વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે આવા હુમલાઓને તાત્કાલિક રોકવાની અપીલ કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી શિપિંગ અને વેપાર વહેલી તકે સામાન્ય કરવાની પણ માંગ કરી છે.
ભારત આ પહેલા પણ ઓમાનના કિનારા નજીક એક મરચન્ટ જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી ચૂક્યું છે. તે જહાજ પર 14 ભારતીય નાગરિકો સવાર હતા. ભારત સતત આ વિસ્તારમાં ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે.
બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંકટના સમયે નાવિકોની મદદ માટે ‘Seafarers Emergency Support Network’ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક વેપારમાં નાવિકોની મહત્વની ભૂમિકા છે. તેથી, સંકટ દરમિયાન તેમની સુરક્ષા અને મદદને પ્રાથમિકતા આપવી જોઈએ.