
સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારની ઘટના સામે આવી છે. જોહાનિસબર્ગના પશ્ચિમમાં સ્થિત બેક્કર્સડાલ ટાઉનશિપમાં રવિવારના રોજ કેટલાક લોકોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અંદાજે રાત્રે 1 કલાકે આ હુમલો થયો છે. આ હુમલામાં અંદાજે 20 લોકોને ગોળી વાગી છે. જેમાંથી 10ના મૃત્યું થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.
આ હુમલો જોહાનિસબર્ગથી અંદાજે 40 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં થયો છે. પોલીસનું કહેવું છે કે, ગોળીબારનું કારણ સ્પષ્ટ થયું નથી. એક નિવેદનમાં પોલીસે કહ્યું હતુ કે, કેટલાક પીડિતોને અજાણ્યા બંદૂકધારીઓએ રસ્તા પર ગોળી મારી હતી.
ગૌટેંગ પ્રાંતના પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિડિલીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ હજુ પણ પીડિતોની ઓળખ કરવા માટે કામ કરી રહ્યા છે. સાઉથ આફ્રિકાની કેટલીક મુખ્ય સોનાની ખાણોની નજીક આવેલા ગરીબ વિસ્તાર બેકર્સડાલમાં એક બાર પાસે ગોળીબાર થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર એવા સ્થળે થયો હતો જ્યાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો હતો.
પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, એક સિલ્વર સેડાન અને અન્ય કારમાં અંદાજે 12 લોકો આવ્યા હતા. આ ગોળીબાર બેક્કર્સડાલમાં એક બારની પાસે થયો છે.અગાઉ 6 ડિસેમ્બરના રોજ, બંદૂકધારીઓએ રાજધાની પ્રિટોરિયા નજીક એક હોસ્ટેલમાં હુમલો કર્યો હતો, જેમાં ત્રણ વર્ષના બાળક સહિત 12 લોકો માર્યા ગયા હતા. 63 મિલિયનની વસ્તી ધરાવતા સાઉથ આફ્રિકામાં ગુનાખોરીનો દર ઊંચો છે અને તે વિશ્વના સૌથી વધુ હત્યા દરોમાંનો એક છે.
દરમિયાન, એ નોંધનીય છે કે, પોલીસે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ગેરકાયદેસર દારૂની દુકાનો પર મોટી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આવા 12,000 સ્થળો બંધ કરાવ્યા હતા અને 18,000 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમના 2023-24ના ડેટા અનુસાર, સાઉથ આફ્રિકામાં વિશ્વમાં સૌથી વધુ હત્યા દર છે, જે દર 100,000 લોકો દીઠ 45 છે.
Published On - 11:55 am, Sun, 21 December 25