દક્ષિણ-પશ્ચિમ લંડનમાં રોડ પર કોઈ બાબતે ઝઘડા દરમિયાન 17 વર્ષીય કિશોરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ બ્રિટિશ શીખ કિશોરની હત્યાની શંકાના આધારે ધરપકડ કરાયેલા 4 શખ્સો સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચારેય આરોપીઓને શનિવારે શહેરની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ચારેય સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
મેટ્રોપોલિટન પોલીસે 17 વર્ષીય સિમરજીત સિંહ નંગપાલની હત્યામાં 21 વર્ષીય અમનદીપ સિંહ, 27 વર્ષીય મનજીત સિંહ, 31 વર્ષીય અજમીર સિંહ અને 71 વર્ષીય પોરણ સિંહ પર આરોપ લગાવ્યા છે. હત્યાના તમામ આરોપી સાઉથહોલના લંડન ઉપનગરમાં રહે છે.
બુધવારે સવારે બર્કેટ ક્લોઝ હાઉન્સલોમાં ઝઘડો ચાલી રહ્યો હોવાથી પોલીસને બોલાવવામાં આવી હતી. લંડન એમ્બ્યુલન્સ સર્વિસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ છરીના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયેલા સ્થાનિક રહેવાસી નંગપાલને બચાવવામાં સફળતા મળી ન હતી. તેને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસના ડિટેક્ટીવ ઇન્સ્પેક્ટર માર્ટિન થોર્પે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિમરજીતની હત્યા માટે જવાબદાર લોકોને શોધવા માટે અમે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ. ઈન્સ્પેક્ટર માર્ટિન થોર્પેના જણાવ્યા અનુસાર હત્યાના ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે.
તેમણે કહ્યું કે જો કોઈની પાસે આ ઘટના સંબંધિત કોઈ માહિતી હોય, તો કૃપા કરીને પોલીસને જાણ કરો. તેમણે કહ્યું કે ઘટના કેવી રીતે બની? તેના જો કોઈ ફોન, ડેશ કેમેરાના ફૂટેજ હોય તો માહિતી મેટ્રોપોલિટન પોલીસને આપવા તાકીદ કરી હતી. પોલીસ અધિકારીઓ પીડિત પરિવારને મદદ કરી રહ્યા છે.
આ પણ વાંચો પાકિસ્તાન: IMF એ કરી મહત્વની જાહેરાત, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મળશે મોટી રાહત
પશ્ચિમ લંડનમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સીઆઈડીના વડા ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ ફિગો ફોરોઝને કહ્યું કે અમારી સંવેદના આ મુશ્કેલ સમયે સિમરજીતના પરિવાર સાથે છે. હું પરિવારને આશ્વાસન આપું છું કે, અમે ગુનેગારોને ઝડપી પાડી યોગ્ય ન્યાય અપાવવા માટે અમે અમારી તમામ તાકાત લગાવીશું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:24 pm, Sat, 18 November 23