Russia Announced Ceasefire: રશિયાએ યુક્રેન નાગરિકોના સ્થળાંતર માટે સોમવાર સવારથી સિઝફાયર (ceasefire) સાથે ઘણા વિસ્તારોમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય યુક્રેનના શહેરોમાં રશિયા દ્વારા ગોળીબાર ચાલુ હોવાથી હજારો યુક્રેન નાગરિકો સુરક્ષિત રીતે બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેન સત્તાવાળાઓએ કિવ (Kyiv)ના ઉપનગરોમાં વિનાશક દ્રશ્યો વચ્ચે નાગરિકોને બહાર કાઢવામાં નિષ્ફળતાની જાણ કરી છે.
દરમિયાન બંને પક્ષોના અધિકારીઓએ સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીતનું આયોજન પણ કર્યું છે. રશિયન ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે સૈન્ય કાર્યવાહી શરૂ થયાના 12મા દિવસે સોમવારે સવારે સિઝફાયર અમલમાં આવશે. ટાસ્ક ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર રાજધાની કિવ, દક્ષિણી બંદર શહેર મેરીયુપોલ, યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ અને સુમીમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે સિઝફાયરની જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં તે સ્પષ્ટ નથી કે સિઝફાયર કેટલો સમય અમલમાં રહેશે અને શું ટાસ્ક ફોર્સના નિવેદનમાં ઉલ્લેખિત વિસ્તારોની બહારના વિસ્તારોમાં લડાઈ અટકશે કે કેમ. માર્યુપોલમાંથી નાગરિકોને બહાર કાઢવાના બે નિષ્ફળ પ્રયાસો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. રેડ ક્રોસની ઈન્ટરનેશનલ કમિટીએ અનુમાન લગાવ્યું છે કે લગભગ બે લાખ લોકો શહેરમાંથી સુરક્ષિત સ્થળોએ જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રશિયન ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે સિઝફાયરની જાહેરાત અને ઈવેક્યુએશન કોરિડોર ખોલવાની જાહેરાત ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની વિનંતી પર કરવામાં આવી હતી, જેમણે રવિવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રક્ષા મંત્રાલય દ્વારા ટાંકીને રશિયન સમાચાર એજન્સી ‘RIA નોવોસ્ટી’ દ્વારા પ્રકાશિત કરાયેલ ખાલી કરાવવાના માર્ગો દર્શાવે છે કે યુક્રેન નાગરિકો રશિયા અને બેલારુસ જઈ શકશે. ટાસ્ક ફોર્સે કહ્યું કે, રશિયન સેના ડ્રોન દ્વારા સિઝફાયર પર નજર રાખશે. રશિયાએ 24 ફેબ્રુઆરીથી આ દેશ પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી આ યુદ્ધ ચાલુ છે. રશિયન હુમલામાં નાગરિકોના મોતના અહેવાલો પણ છે.
આ પણ વાંચો : Russia-Ukraine War Live: યુએસ મીડિયાનો દાવો – યુએસ અને NATOએ યુક્રેનને 17 હજારથી વધુ એન્ટી ટેન્ક હથિયારો આપ્યા