રશિયા અને યુક્રેન (Russia-Ukraine Conflict) વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છે. જો બંને વચ્ચે યુદ્ધ થશે તો તેની અસર આખી દુનિયા પર પડશે. અમેરિકા સહિત ઘણા દેશો સંભવિત યુદ્ધને ટાળવાના પ્રયાસોમાં લાગેલા છે. પરંતુ યુદ્ધની શક્યતાઓ યથાવત છે. હવે વ્હાઇટ હાઉસે (White House) બુધવારે ચેતવણી આપી છે કે, યુક્રેન પર રશિયાનો હુમલો ગમે ત્યારે થઈ શકે છે. સાથે જ અમેરિકા પ્રત્યે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભારત નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે અને જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો ભારત અમેરિકાને સાથ આપશે.
વ્હાઇટ હાઉસે બુધવારે કહ્યું હતું કે, યુક્રેન પર રશિયાનો હુમલો ગમે ત્યારે થઈ શકે છે. આ સાથે જ રાષ્ટ્રપતિ જો બાઈડેને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ ટોની બ્લિંકનને મ્યુનિકમાં એક કોન્ફરન્સમાં મોકલીને મોસ્કોના ખતરા સામે વૈશ્વિક નેતાઓને એક કરવાની જાહેરાત કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ ભય વ્યક્ત કર્યો હતો કે, હુમલો ગમે ત્યારે થઈ શકે છે. “અમે માનીએ છીએ કે હુમલો કોઈપણ સમયે થઈ શકે છે અને રશિયા નકલી બહાને હુમલો કરી શકે છે.” સાકીએ તેની દૈનિક પ્રેસ બ્રીફિંગમાં પત્રકારોને આ વાત જણાવી હતી.
તેમણે કહ્યું, ‘અમે તેના વિશે વાત કરી છે, અમે ભૂતકાળમાં આવી વસ્તુઓ જોઈ છે. તે તમે ટાંકેલા સમાચાર પૂરતું મર્યાદિત નથી. ડોનબાસમાં ઉશ્કેરણી દાવાઓના અહેવાલો છે, મીડિયામાં ખોટા સમાચાર ફેલાવાઈ રહ્યા છે. મને લાગે છે કે, તમારે તમારી આંખો ખુલ્લી રાખવી જોઈએ કારણ કે રશિયા નકલી વીડિયો દ્વારા હુમલો કરી શકે છે, રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે અથવા સૈનિકો પર ખોટી રીતે હુમલો કરી શકે છે.’ એક પ્રશ્નના જવાબમાં સાકીએ પત્રકારોને કહ્યું કે, હુમલાનું કારણ આપવામાં ઘણા પ્રકારના જૂઠાણાં આ માટે ફેલાવી શકાય છે.
બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે, ભારત નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે અને આશા છે કે, તે યુદ્ધની સ્થિતિમાં અમેરિકાને સાથ આપશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે, “બેઠકમાં એ વાત પર સહમતિ બની હતી કે, આ મામલાના રાજદ્વારી-શાંતિપૂર્ણ ઉકેલની જરૂર છે. ક્વાડ નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવાના પક્ષમાં છે.”
નેડ પ્રાઈસે કહ્યું, ‘નિયમો આધારિત સિસ્ટમ ઈન્ડો-પેસિફિકમાં સમાન રીતે લાગુ પડે છે, પછી તે યુરોપમાં હોય કે અન્યત્ર. અમે જાણીએ છીએ કે, અમારા ભારતીય ભાગીદાર નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે.’ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, મોસ્કો દ્વારા સર્જાયેલી કટોકટીનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે અમેરિકા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે.
આ પણ વાંચો: Infosys મોટી સંખ્યામાં ભરતી કરશે, 55 હજારથી વધુ ફ્રેશર્સને રોજગાર આપવાની તૈયારી
આ પણ વાંચો: JEE Mains 2022: આ વર્ષે ચાર વખત નહીં લેવાય JEE મેઈન્સ પરીક્ષા, માત્ર બે જ પ્રયાસ મળશે? વાંચો નવીનતમ અપડેટ