Russia Ukraine Conflict: યુક્રેન અને રશિયા (Russia Ukraine Conflict) વચ્ચે તણાવ વધી રહ્યો છે. યુક્રેન(Ukraine)ની સરહદ પરથી લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો આ વાતની પુષ્ટિ કરી રહી છે. તસવીરો અનુસાર 100થી વધુ રશિયન વાહનો યુક્રેનની સરહદ પર હાજર છે. એટલું જ નહીં યુદ્ધમાં ઘાયલ થયેલા જવાનોની સારવાર માટે સરહદ પર હંગામી હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. તૈયારીઓથી સ્પષ્ટ છે કે રશિયા(Russia)પીછેહઠ કરવાનું નથી. અમેરિકન કંપની મેક્સર દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોથી સ્પષ્ટ છે કે રશિયાએ ત્યાં હેલિપેડ પણ બનાવ્યું છે અને મોટી સંખ્યામાં ટેન્ટ પણ છે.
બીજા દેશમાં હુમલા પ્રત્યે રશિયાની આક્રમકતાનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ રશિયા ક્રિમિયા અને જ્યોર્જિયામાં પણ પોતાની શક્તિનું પ્રદર્શન કરી ચૂક્યું છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી જ છે જેવી જ્યોર્જિયા સાથેના યુદ્ધ દરમિયાન હતી.
ફોરેન પોલિસી રિપોર્ટ અનુસાર, બેઇજિંગમાં ચાલી રહેલા સમર ઓલિમ્પિક ગેમ્સ પહેલા 2008માં રશિયા અને જ્યોર્જિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ રશિયાએ ચીનની નારાજગીથી બચવા માટે ગેમ્સ સમાપ્ત થવાની રાહ જોઈ હતી. હાલમાં રશિયાએ પણ આવું જ કર્યું છે. બેઇજિંગમાં વિન્ટર ગેમ્સની વિદાય બાદ યુદ્ધની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. 2008 માં, રશિયા ઇચ્છતું હતું કે જ્યોર્જિયા નાટોમાં ન જોડાય. આમાં રશિયાને સફળતા પણ મળી હતી. રશિયા યુક્રેન પર હુમલો કરીને ફરી એ જ કામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
dw ના અહેવાલ મુજબ, નાટો વિશ્વનું સૌથી મોટું લશ્કરી સંગઠન છે. તેની હાજરી વિશ્વભરમાં છે. નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) એ ઉત્તર અમેરિકા અને યુરોપનું એક સામાન્ય રાજકીય અને લશ્કરી સંગઠન છે. તેની રચના વર્ષ 1949માં થઈ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી રચાયેલી આ સંસ્થાનો પ્રથમ અને મુખ્ય ઉદ્દેશ્ય સોવિયેત યુનિયનના વધતા વ્યાપને મર્યાદિત કરવાનો હતો. આ સિવાય અમેરિકાએ તેનો ઉપયોગ યુરોપમાં રાષ્ટ્રવાદી વિચારોના વિકાસને રોકવા માટે પણ કર્યો જેથી કરીને યુરોપ ખંડમાં રાજકીય એકતા સ્થાપિત થઈ શકે.
રશિયાએ યુક્રેનમાં સૈનિકોના પ્રવેશ માટે ડોનેટ્સક અને લુહાન્સ્ક પ્રદેશો પસંદ કર્યા છે. આના બે કારણો છે. પ્રથમ, અહીં રશિયન બોલતા લોકોની સંખ્યા વધારે છે. બીજું કારણ આ સ્થળોએ યુક્રેન વિરુદ્ધ વધી રહેલું અલગતાવાદ છે. એટલા માટે રશિયાએ તેમને યુક્રેનમાં સેનાના પ્રવેશ માટે પસંદ કર્યા છે.
જો રશિયા યુક્રેન પર હુમલો કરવામાં સફળ થાય છે તો સ્થિતિ ઘણી હદે બગડી જશે. રશિયા ઘઉં અને પેટ્રોલિયમનો મોટો નિકાસકાર છે, તેથી ખાદ્ય કટોકટી પણ વધુ ઘેરી બની શકે છે અને તેલની કિંમતો પણ વધી શકે છે.