મુંબઈ હુમલાના ગુનેગાર અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર ઘણીવાર સામે આવ્યા છે. હમણા જ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે બાદ તેને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અગાઉના ઘણા અહેવાલો તેમના મૃત્યુ વિશે પણ વાત કરી રહ્યા છે.
જો કે આ સમાચારની હજુ સુધી કોઈએ પુષ્ટિ કરી નથી. તેથી કંઈ કહી શકાય નહીં તેમજ તેને કોણે ઝેર આપ્યું તેની પણ કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી. આ પહેલા પણ ઘણી વખત અંડરવર્લ્ડ ડોન દાઉદના મોતના સમાચાર સામે આવ્યા છે. પરંતુ તેની ક્યારેય પુષ્ટિ થઈ શકી નથી. ચાલો જાણીએ કે ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર ક્યારે-ક્યારે આવ્યા છે.
વર્ષ 2020માં પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદના કોરોના સંક્રમણને કારણે મોત થયાના સમાચાર આવ્યા હતા. દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર સામે આવ્યા હોય તેવું પણ પહેલીવાર નથી, આ પહેલા પણ દાઉદના મોતના અનેક દાવા કરવામાં આવ્યા હતા.
ક્યારેક દાઉદના મૃત્યુના સમાચાર હાર્ટ એટેકના કારણે આવ્યા તો ક્યારેક ગેંગરીનને કારણે તેનું મૃત્યુ થયું. પરંતુ દર વખતે દાઉદ દ્વારા આવા સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા.
2016માં એવા સમાચાર સામે આવ્યા હતા કે, દાઉદ તેના ઘરે ચાલતો હતો ત્યારે ઘાયલ થયો હતો. ડાયાબિટીસને કારણે આ ઈજા મટી ન શકી અને બાદમાં ગેંગરીન રોગ ફેલાઈ ગયો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગેંગરીનને કારણે દાઉદનો પગ કાપવો પડ્યો હતો. બાદમાં સમાચાર આવ્યા કે તેમનું મોત ગેંગરીનને કારણે થયું હતું. પરંતુ આ બધી વાતો માત્ર અફવા જ રહી હતી.
વર્ષ 2017માં પાકિસ્તાની મીડિયા દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે, દાઉદ ઇબ્રાહિમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને ગંભીર હાલતમાં કરાચીની આગા ખાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દાઉદને બ્રેઈન ટ્યુમરની સારવાર અપવામાં આવી હતી અને બાદમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જે બાદ તેમનું મોત થયું હતું.
ત્યારબાદ દાઉદના સહયોગી છોટા શકીલે મોતના સમાચારને ખોટા અને અફવા ગણાવ્યા હતા. પાકિસ્તાનના કરાચીના છોટા શકીલે એક અંગ્રેજી અખબારને ફોન પર કહ્યું હતું કે, શું તમને મારા અવાજ પરથી લાગે છે કે આવું કંઈક થયું છે? આ બધી અફવાઓ છે, ભાઈ એકદમ ઠીક છે.
વર્ષ 2020માં પાકિસ્તાનમાં કોરોના વાયરસના ચેપને કારણે દાઉદ ઈબ્રાહિમના મોતના સમાચાર આવ્યા હતા. જો કે તે સમયે પણ કોઈ ઓફિશિયલ પુષ્ટિ મળી ન હતી. તમને જણાવી દઈએ કે જૂન 2020માં એજન્સીઓને ટાંકીને અહેવાલો આવ્યા હતા કે દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે અને બંનેને સારવાર માટે કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એવા પણ અહેવાલ છે કે દાઉદના અંગત સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જો કે દાઉદ ઈબ્રાહિમ કોરોનાથી સંક્રમિત હોવાના અહેવાલોને તેના ભાઈ અનીસ ઈબ્રાહિમે ફગાવી દીધા હતા. અનીસે એવો દાવો કર્યો હતો કે, તેના ભાઈ સહિત પરિવારના દરેક સભ્યો સ્વસ્થ છે અને કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.