London : બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સોમવારે ઇઝરાયેલ-ગાઝા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક યહૂદી શાળાની મુલાકાત લીધી અને દેશના યહૂદીઓને તેમની સામેના હુમલાઓથી બચાવવા માટે સલામતીની ખાતરી આપી
આ દરમિયાન ઋષિ સુનકે કહ્યું હતું કે બ્રિટને ભૂમધ્ય ક્ષેત્રમાં જાસૂસી વિમાનો તૈનાત કર્યા છે તેથી યુદ્ધ પર નજર રાખી શકાય અને હથિયારોના શિપમેન્ટ આતંકવાદીઓના હાથમાં ન જાય. વધુમાં તેમણે કહ્યું કે આપણા દેશમાં જે યહૂદી સમુદાય છે તે પોતાના વિસ્તારમાં સુરક્ષિત અનુભવી શકે એ માટે હું કટિબદ્ધ છું, અહીંયા યહૂદી વિરોધીઓને કોઈ સ્થાન નથી અને આવા લોકોને રોકવા માટે અમે શક્ય તમામ પ્રયત્નો કરીશું.
તેમણે કહ્યું કે માત્ર આજે જ નહીં, પરંતુ હંમેશા માટે હું યહૂદી સમુદાય સાથે છું. તમારી જેમ હું એક અલગ ભૂમિમાંથી આવું છું અને જ્યારે વિવિધતાને માન આપવામાં આવે છે, ત્યારે આપણો સમાજ મજબૂત બને છે. એવા કેટલાક લોકો છે જે નફરત અને ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું તે વિવિધતાને બચાવવા માટે હંમેશા સખત પ્રયાસ કરીશ. તેમણે શાળામાં હાજર રહેલા લોકોના કેટલાક પ્રશ્નોના જવાબ આપતા પહેલા માધ્યમિક શાળામાં એક એસેમ્બલીમાં હાજરી આપી હતી.
બ્રિટિશ વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે, આજે હું યહૂદી સમુદાય સાથે એકતા દર્શાવવા માટે લંડનમાં એક યહૂદી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને મળ્યો. બ્રિટનમાં યહૂદી લોકોને સુરક્ષિત રાખવા માટે હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યો છું. યહૂદીઓના વિરોધીતઓને સાંખી લેવામાં આવશે નહીં.
તેમણે ખાતરી આપી કે સરકારે પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે પોલીસને તમામ સત્તાઓ અને સૂચના આપી છે. આવા વિરોધ પ્રદર્શન કરતા 15 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ પર ગુનાહિત આરોપ લગાવવામાં આવ્યો છે.
સુનાકે એમ પણ કહ્યું હતું કે બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરાયેલ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપવું ગેરકાયદેસર છે અને આમ કરવાથી 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
પોલીસ દળનો આભાર માનતા સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં બ્રિટનના ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને હમાસ અથવા યહૂદી વિરોધીઓને ટેકો આપતા લોકોને ફરીથી કડક ચેતવણી આપી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:31 pm, Mon, 16 October 23