PM Modi Italy : રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર! મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કરી શેર કરી સેલ્ફી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલીના રોમ શહેર પહોંચ્યા છે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ ભારતીય સમુદાય સાથે મળ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો. પીએમ મોદી ઇટાલીના પીએમ મેલોની સાથે મુલાકાત કરી છે.

PM Modi Italy : રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર! મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કરી શેર કરી સેલ્ફી
PM Modi Italy
Image Credit source: X
| Updated on: May 20, 2026 | 7:57 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે ઇટાલી પહોંચ્યા હતા. જે તેમના પાંચ દેશોના પ્રવાસના અંતિમ અને પાંચમા તબક્કામાં છે. રાજધાની રોમમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી એન્ટોનિયો તાજાનીએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું તે દરમિયાન ત્યાં ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. રોમની હોટલમાં પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય અને સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન તેમજ વાદ્ય સંગીત રજૂ કરવામાં આવ્યું હતું.

હું રોમ, ઇટાલીમાં ઉતર્યો છું: પ્રધાનમંત્રી

વડાપ્રધાનએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હું રોમ, ઇટાલીમાં ઉતર્યો છું. હું રાષ્ટ્રપતિ સર્જિયો માટ્ટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરીશ અને વાટાઘાટો કરીશ. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઇટાલી વચ્ચે સહયોગને મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પર ધ્યાન કેન્દ્રિત કરીને. સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-2029 ની પણ સમીક્ષા કરવામાં આવશે.” હું સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ના મુખ્યાલયની પણ મુલાકાત લઈશ, જે બહુપક્ષીયતા અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.

ભારત-ઇટાલી સંબંધો મજબૂત

ભારત અને ઇટાલીના સંબંધો તાજેતરના વર્ષોમાં ઝડપથી મજબૂત થયા છે. બંને પક્ષો સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-2029 ને સક્રિયપણે અનુસરી રહ્યા છે. જે ઘણા ક્ષેત્રોમાં સહયોગ માટે એક વ્યાપક માળખું છે. 2025માં બંને દેશો વચ્ચે વેપાર $16.77 અરબ સુધી પહોંચ્યો હતો, જ્યારે ઇટાલીથી ભારતમાં કુલ વિદેશી રોકાણ $3.66 અરબ નોંધાયું હતું. આ રોકાણોમાં સંરક્ષણ અને સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનનો સમાવેશ થાય છે.

જ્યોર્જિયા મેલોનીએ સેલ્ફી કરી શેર

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત પીએમ મોદીની ઇટાલીની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત છે. મેલોનીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કરીને તેમનું સ્વાગત કર્યું. કેપ્શનમાં, મેલોનીએ લખ્યું, “રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર!” પીએમ મોદી અગાઉ તેમના પ્રવાસ દરમિયાન નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો, નાના શહેરો માટે સરકારનો મોટો પ્લાન: આ રાજ્યો સહિત ગુજરાતમાં ઊભા કરાશે 56 નવા EV ચાર્જિંગ સ્ટેશન!

Follow Us