પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની ભારત મુલાકાતની પુષ્ટિ થયા બાદ આ સમયગાળા દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. શું પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાત લઈને શાંતિ માટે પહેલ કરવા માંગે છે કે પછી તેઓ મજબૂરીમાં ભારત આવવાના પગલાં લઈ રહ્યા છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી, આવતા મહિને ભારતની મુલાકાતે આવશે. તેઓ ગોવામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. અત્રે ઉલ્લેખનીય છે કે, SCOની બેઠક 4 અને 5 મેના રોજ ગોવામાં યોજાશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, જાન્યુઆરીમાં ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રીને SCO બેઠકમાં આમંત્રણ આપ્યું હતું. ઈસ્લામાબાદને ભારતના હાઈ કમિશન તરફથી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે આમંત્રણ મોકલ્યું હતુ.
બિલાવલની ભારત મુલાકાતની પુષ્ટિ થયા બાદ આ સમયગાળા દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. શું પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારતની મુલાકાત લઈને શાંતિ માટે પહેલ કરવા માંગે છે કે પછી તેઓ મજબૂરીમાં આ પગલાં લઈ રહ્યા છે. વાસ્તવમાં, પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટ તેમજ આંતરિક રાજકીય ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન આ એક એવા પ્લેટફોર્મ પર ભાગ લઈને એક સંદેશ આપવા માંગે છે કે તે SCO ને ગંભીરતાથી લે છે.
પાકિસ્તાનમાં પૂર્વ ભારતીય હાઈ કમિશનર શરત સબરવાલે આ અંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે SCOમાં વિદેશ મંત્રીઓની બેઠક મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પોતાનુ સ્થાન છોડવા માગતુ નથી. સાથોસાથ કોઈ પણ રીતે એવો સંદેશ આપવા માગતુ નથી કે, તે આ SCO સંગઠનને મહત્વ નથી આપતું.
નોંધનીય છે કે વર્ષ 2014માં તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ છેલ્લી વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. તેમના પછી કોઈપણ પાકિસ્તાની નેતાની આ પ્રથમ ભારતની મુલાકાત હશે. બીજી તરફ નવાઝ શરીફ પૂર્વે હિના રબ્બાની ખારે વર્ષ 2011માં પાકિસ્તાનના વિદેશ મંત્રી તરીકે ભારતની મુલાકાત લીધી હતી.
પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશીત થયેલા અહેવાલ અનુસાર SCO પાકિસ્તાન માટે એક મોટું પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું કે બિલાવલ દ્વિપક્ષીય વાટાઘાટો માટે નહીં પણ SCO બેઠકમાં ભાગ લેવા વિદેશ મંત્રીની ક્ષમતામાં ભારત જઈ રહ્યા છે. પાકિસ્તાને 5 ઓગસ્ટ 2019 પછી ભારત સાથે વાતચીત માટે કેટલીક શરતો મૂકી છે અને તે હજુ પણ તેના પર અડગ છે, તેથી દ્વિપક્ષીય વાતચીતનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે ભારતે તેમના પર કોઈ પગલું ભર્યું નથી.