પાડોશી દેશ પાકિસ્તાનમાં (Pakistan) રાજકીય ઉથલપાથલ વધી રહી છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની (Pakistan PM Imran Khan) મુશ્કેલીઓ દરેક ક્ષણે વધી રહી છે. ઈમરાનના સાથીઓ તેનો પક્ષ છોડી રહ્યા છે. પાકિસ્તાનમાં ઉથલપાથલ વચ્ચે આજે ઈમરાન ખાન દેશને સંબોધન કરવાના હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તેમનું સંબોધન રદ કરવામાં આવ્યું છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે આ કાર્યક્રમમાં ઈમરાન ખાન પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. પીટીઆઈ સેનેટર ફૈઝલ જાવેદ ખાને માહિતી આપી છે કે ઈમરાન ખાન આજે દેશને સંબોધિત કરશે નહીં.
ઈમરાન ખાનને આજે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવમાંથી પસાર થવું પડશે. આ પહેલા ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહેલા ઈમરાન ખાનને સાથી પક્ષ એમક્યુએમ પી (MQM P) દ્વારા ઝટકો આપવામાં આવ્યો છે. પાર્ટીએ ઈમરાન ખાનનો સાથ છોડી દીધો છે. જેના કારણે ઈમરાન તરફી સાંસદોની સંખ્યા ઘટીને 164 થઈ ગઈ છે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સાથી અને મુખ્ય ગઠબંધન ભાગીદાર મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM) વિપક્ષી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સાથે કરાર કર્યા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન રાજીનામું આપે તેવી શક્યતા છે.
મોટા સમાચાર આવ્યા છે કે, ઈમરાન ખાને પત્રકારોને પોતાના સિક્રેટ લેટર બતાવવાનો કાર્યક્રમ રદ્દ કરી દીધો છે. અગાઉ તેણે દાવો કર્યો હતો કે આ પત્ર સરકારને પડાવવાના વિદેશી ષડયંત્રનો પર્દાફાશ કરશે. પત્રકારો સાથે વાત કરતા પહેલા તેમના મંત્રીઓને પત્ર ન દર્શાવવા બદલ તેમની પાર્ટીમાં પણ નારાજગી છે.
ઈસ્લામાબાદમાં 27 માર્ચે એક વિશાળ રેલીને સંબોધતા ઈમરાન ખાને કહ્યું હતું કે, વિદેશી શક્તિઓ તેમની ગઠબંધન સરકારને તોડવાના ષડયંત્રમાં સામેલ છે. ઈસ્લામાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીની રેલીને સંબોધિત કરતી વખતે ખાને કહ્યું હતું કે, વિદેશી તત્વો દેશની વિદેશ નીતિ નક્કી કરવા માટે સ્થાનિક રાજકારણીઓનો ઉપયોગ કરી રહ્યા છે.
તેણે કહ્યું હતું કે, અમને ખબર છે કે અમારા પર દબાણ લાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે. અમને લેખિતમાં ધમકી આપવામાં આવી છે પરંતુ અમે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન કરીશું નહીં. મારી પાસે જે પત્ર છે તે સાબિતી છે અને જે કોઈને પણ આ પત્ર પર શંકા છે તે ખોટા સાબિત કરવા હું પડકાર આપું છું. આપણે નક્કી કરવાનું છે કે આપણે આ રીતે ક્યાં સુધી જીવીશું. અમને ધમકીઓ મળી રહી છે. વિદેશી ષડયંત્ર વિશે ઘણી બાબતો છે, જે ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
આ પણ વાંચો : પાકિસ્તાન : રાજકીય સંકટ વચ્ચે PM ઈમરાનને આવ્યુ ડહાપણ, યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે યુદ્ધ ખતમ કરવા કરી વાતચીત