પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) શનિવારે એટલે કે 21 ઓક્ટોબરે પોતાના દેશ પરત ફરી શકે છે. આ પહેલા જ નવાઝ શરીફના વકીલોએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સંરક્ષણ જામીન અરજી દાખલ કરી છે. વકીલોએ કોર્ટ પાસે માગ કરી છે કે, કોર્ટે અધિકારીઓને આદેશ આપવો જોઈએ કે નવાઝ શરીફ પાકિસ્તાન પહોંચે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે નહીં. નવાઝ શરીફ 4 વર્ષ બાદ પોતાના વતન પાકિસ્તાન પરત ફરી રહ્યા છે.
નવાઝ શરીફ ઘણા કેસમાં દોષિત અને આરોપી છે જે સારવાર માટે બ્રિટન ગયા હતા. નવાઝ શરીફને અલ-અઝીઝિયા અને એવેનફિલ્ડ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ સિવાય નવાઝને તોશાખાના કેસમાં ભાગેડુ અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. આ તોશાખાનાનો કેસ ઈસ્લામાબાદની એક કોર્ટમાં ચાલી રહ્યો છે. નવાઝ શરીફ જ્યારે 2019માં સારવાર માટે બ્રિટન ગયા હતા, ત્યારે તેમને આ કેસોમાં જામીન મળ્યા હતા.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN) ચીફ 4 વર્ષ બ્રિટનમાં રહ્યા બાદ 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરશે. અરજી અનુસાર નવાઝ શરીફે કોર્ટમાં આત્મસમર્પણ કરતા પહેલા સંરક્ષણ જામીન માટે અપીલ કરી છે. અરજીમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટ આદેશ આપે કે નવાઝ શરીફની એરપોર્ટ પર ધરપકડ ન કરે તેવી માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Pakistan News: પાકિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ પોલિયો રસીકરણ ટીમના મહિલા કાર્યકર સહિત ચાર સભ્યોનું કર્યું અપહરણ
કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, નવાઝ શરીફ સ્વાસ્થ્યના કારણોસર સમયસર પાકિસ્તાન પરત ફરી શક્યા ન હતા અને કોરોના મહામારીના કારણે તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ વધી ગઈ હતી. વકીલો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે નવાઝ શરીફ હજુ પણ સંપૂર્ણ સ્વસ્થ નથી, પરંતુ જ્યારે પાકિસ્તાન અર્થવ્યવસ્થા અને અન્ય મોરચે તેના અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તેઓ તેમના દેશ પરત ફરી રહ્યા છે.
ઈનપુટ – ભાષા
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો