
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી છે. પોલીસ ગમે ત્યારે ઈમરાન ખાનની ધરપકડ કરી શકે છે. ઈસ્લામાબાદની કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયા બાદ પોલીસ ઈમરાનની ધરપકડ કરવા લાહોરના જમાન પાર્ક ખાતેના તેના નિવાસસ્થાને દરોડા પાડી શકે છે.
પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, ઇસ્લામાબાદ પોલીસ કોર્ટ તરફથી વોરંટ જાહેર કર્યા બાદ આગામી 24 કલાકમાં જમાન પાર્કની મુલાકાત લઈ શકે છે. ઈસ્લામાબાદની એક સેશન્સ કોર્ટે મહિલા જજને ધમકી આપવા બદલ ઈમરાન ખાન સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યું કર્યું છે.
રિપોર્ટ અનુસાર, ઈમરાન ખાને 20 ઓગસ્ટે F-9 પાર્કમાં એક રેલીને સંબોધિત કરતી વખતે જિલ્લા કોર્ટના સેશન્સ જજ ઝેબા ચૌધરી તેમજ કેટલાક અધિકારીઓને ‘જોઈ લેવાની’ ધમકી આપી હોવાનો આરોપ છે. જે બાદ પોલીસે પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
તાજેતરમાં સિવિલ જજ રાણા મુજાહિદ રહીમે, ઈમરાન ખાનના વારંવાર હાજર ન થવા પર ત્રણ પાનાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને પૂર્વ વડાપ્રધાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. રિપોર્ટ અનુસાર, ઇમરાન ખાને સુનાવણીમાં શારીરિક રીતે હાજર રહેવામાંથી મુક્તિ માંગી હતી. તેણે કોર્ટને વિનંતી કરી કે તેને વર્ચ્યુઅલ રીતે સુનાવણીમાં હાજર રહેવા દેવામાં આવે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, “ઈસ્લામાબાદ પોલીસ જમાન પાર્ક જતા પહેલા પૂર્વ વડાપ્રધાનના મુખ્ય સુરક્ષા અધિકારીનો સંપર્ક કરશે.” બીજી તરફ તોશાખાના કેસમાં પણ કોર્ટે ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યું થયેલ છે.
5 માર્ચે ઈસ્લામાબાદ પોલીસ ઈમરાન ખાનના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી, પરંતુ ઈમરાન ખાન ત્યાં મળ્યો ન હતો. જે બાદ પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. એક દિવસ પહેલા તોશાખાના કેસમાં જિલ્લા અને સેશન્સ કોર્ટે ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.