સાઉદી અરેબિયાએ ફરી એકવાર ઉમરાહની આડમાં પાકિસ્તાની ભિખારીઓની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે સાઉદીએ પાકિસ્તાનને ગલ્ફ કન્ટ્રીમાં પ્રવેશતા રોકવા માટે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. પાકિસ્તાનના ધાર્મિક મામલાના મંત્રાલયના સૂત્રોને ટાંકીને એક અખબારના અહેવાલ મુજબ, સાઉદી અધિકારીઓએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તેઓ પરિસ્થિતિ પર નિયંત્રણ નહીં રાખે તો પાકિસ્તાનના ઉમરાહ અને હજ યાત્રીઓ પર તેની નકારાત્મક અસર પડી શકે છે.
સાઉદી હજ મંત્રાલયે પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયને ચેતવણી આપતા કહ્યું છે કે ઉમરાહ વિઝા હેઠળ દેશમાં પ્રવેશનારા પાકિસ્તાની ભિખારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પછી પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયે ઉમરાહ એક્ટ લાવવાનો નિર્ણય કર્યો છે.
તેનો ઉદ્દેશ્ય ઉમરાહની વ્યવસ્થા કરતી ટ્રાવેલ એજન્સીઓનું નિયમન કરવાનો અને તેમને કાયદાકીય દેખરેખ હેઠળ લાવવાનો છે. અગાઉ, સાઉદી રાજદૂત નવાફ બિન સૈદ અહમદ અલ-મલિકી સાથેની બેઠકમાં, ગૃહ પ્રધાન મોહસિન નકવીએ તેમને ખાતરી આપી હતી કે સાઉદી અરેબિયામાં ભિખારીઓ મોકલવા માટે જવાબદાર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ એવું કંઈ થયું નહીં. જેના કારણે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે.
પાકિસ્તાની ભિખારીઓ ઉમરાની આડમાં ગલ્ફ કન્ટ્રીમાં જાય છે. પરંતુ મોટાભાગના લોકો ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જાય છે જેઓ પછી ભીખ માંગવા સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ જાય છે. આ પહેલા પણ પાકિસ્તાનને એક વખત ચેતવણી મળી હતી. તેથી જ આ વર્ષે જુલાઈ મહિનામાં પાકિસ્તાન સરકારે 2000થી વધુ ભિખારીઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. તેના પર પાકિસ્તાની અધિકારીઓએ કહ્યું કે વિદેશમાં ભીખ માંગવાથી પાકિસ્તાનની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે અને નાગરિકોનું સન્માન પણ ઘટે છે.
હજ અને ઉમરાહ યાત્રાના નામે પાકિસ્તાનના ભિખારીઓ આરબ દેશોમાં ભીખ માંગવાનો ધંધો કરે છે. ગયા વર્ષના એક રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અરબ દેશોમાં ભીખ માંગવાનું પ્રચલિત છે.