પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) આગામી જાન્યુઆરી 2023 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી સત્તા પર આવવાના પ્રયાસમાં ચાર વર્ષ બાદ બ્રિટનથી સ્વદેશ પરત ફર્યા છે. તે શનિવારે એક વિશેષ ફ્લાઇટમાં દુબઈથી પાકિસ્તાન આવ્યા હતા. તેમની સાથે તેમના પરિવારના સભ્યો, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મિત્રો પણ હતા. આ પહેલા દુબઈ એરપોર્ટ પર નવાઝ શરીફે પત્રકારો પાસે દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
નવાઝ શરીફે પત્રકારોને કહ્યુ હતું ક, દેશની સ્થિતિ 2017ની સરખામણીમાં વધારે ખરાબ થઈ છે. પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમને અયોગ્ય ઠેરવ્યા અને બાદમાં તેમને ભ્રષ્ટાચારના બે કેસોમાં જવાબદાર ઠેરવ્યા, ત્યારે તેઓ દોષિત ઠર્યા હતા. તેમણે કહ્યું, સ્થિતિ 2017 કરતા સારી નથી અને તે જોઈને મને દુઃખ થાય છે કે આપણો દેશ આગળ વધવાને બદલે પછાત થઈ ગયો છે.
નવાઝ શરીફને 2019માં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તે બ્રિટન ગયા હતા. આ પહેલા એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે તે પરત ફરી રહ્યા છે અને તેની ધરપકડ કરવામાં આવશે, પરંતુ આમ થયું નહીં. પંજાબના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે, શનિવારે મિનાર-એ-પાકિસ્તાન રેલીમાં હાજરી આપતી વખતે PML-Nના વરિષ્ઠ નેતા નવાઝ શરીફને જીવનું જોખમ છે. સુરક્ષા એજન્સીઓ તરફથી આ માહિતી મળ્યા બાદ પંજાબ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
ડોન અખબારના અહેવાલ મુજબ, ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને નવાઝ શરીફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પંજાબ પોલીસને વિશ્વાસમાં લીધી હતી. નવાઝ શરીફના નાના ભાઈ અને પીએમએલ-એનના પ્રમુખ શહેબાઝ શરીફે પાર્ટીના નેતાઓને ભૂતપૂર્વ વડાપ્રધાનનું ઐતિહાસિક સ્વાગત કરવા કહ્યું હતું.
આ પણ વાંચો : Pakistan News: નવાઝ શરીફ પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી ઉગારશે ! 21 ઓક્ટોબરની રેલીમાં આપશે રોડમેપ
PML-N ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અતુલ્લા તરારે કહ્યું કે, નવાઝ શરીફ ઈસ્લામાબાદ પહોંચશે કારણ કે તેમને અલ-અઝીઝિયા અને એવેનફિલ્ડ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. તેમણે કહ્યું કે કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ નવાઝ શરીફ લાહોર જવા રવાના થશે અને ત્યાં મિનાર-એ-પાકિસ્તાનમાં એક રેલીને સંબોધન કરશે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો