
પાકિસ્તાનમાંથી શિક્ષિત અને કુશળ લોકોનું સ્થળાંતર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પાકિસ્તાનના બ્યુરો ઓફ ઇમિગ્રેશન એન્ડ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટના તાજેતરના અહેવાલ અનુસાર, છેલ્લા બે વર્ષમાં આશરે 30,000 ડોક્ટરો, એન્જિનિયરો અને અન્ય વ્યાવસાયિકોએ દેશ છોડ્યો છે.
હાલમાં પાકિસ્તાન સૌથી ગંભીર બ્રેઈન ડ્રેઈનનો સામનો કરી રહ્યું છે. બગડતી અર્થવ્યવસ્થા, રાજકીય અસ્થિરતા અને અનિશ્ચિત ભવિષ્યના કારણે શિક્ષિત અને કુશળ વર્ગ માટે દેશમાં રહેવું મુશ્કેલ બન્યું છે. પરિણામે, છેલ્લા બે વર્ષમાં હજારો ડોક્ટરો, એન્જિનિયરો અને એકાઉન્ટન્ટ્સ વિદેશ વસવાટ કરવા મજબૂર બન્યા છે. આ આંકડાઓ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો કટાક્ષ કરતા કહે છે કે જ્યાં નોકરીઓ, સંશોધન અને સુરક્ષાનો અભાવ હોય, ત્યાંથી પ્રતિભાનું સ્થળાંતર થવું સ્વાભાવિક છે.
સરકારી અહેવાલ મુજબ, છેલ્લા બે વર્ષમાં લગભગ 5,000 ડોક્ટરો, 11,000 એન્જિનિયરો અને 13,000 એકાઉન્ટન્ટ્સ પાકિસ્તાન છોડીને ગયા છે. આ ખુલાસા બાદ સરકાર પર ભારે ટીકા થઈ રહી છે. ખાસ કરીને થોડા મહિના પહેલા, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે આ સ્થળાંતરને ‘બ્રેઈન ગેઈન’ ગણાવ્યું હતું, બ્રેઈન ડ્રેઈન નહીં, જે નિવેદન હવે વિવાદનું કારણ બન્યું છે.
આ સ્થળાંતર હવે માત્ર મજૂરો કે ઓછા પગારવાળી નોકરીઓ સુધી સીમિત નથી. અહેવાલ દર્શાવે છે કે મોટી સંખ્યામાં વ્હાઇટ-કોલર પ્રોફેશનલ્સ પણ પાકિસ્તાન છોડીને જઈ રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય ક્ષેત્ર પર તેની ગંભીર અસર પડી છે. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, 2011 થી 2024 વચ્ચે નર્સોના સ્થળાંતરમાં આશ્ચર્યજનક રીતે 2,144 ટકા વધારો થયો છે. આ વલણ 2025 સુધી ચાલુ રહેવાની શક્યતા છે, જે દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થાને ગંભીર જોખમમાં મૂકે છે.
આંકડા દર્શાવે છે કે પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે. વર્ષ 2024માં, લગભગ 7.27 લાખ પાકિસ્તાનીઓએ વિદેશી નોકરીઓ માટે નોંધણી કરાવી હતી. જ્યારે 2025માં નવેમ્બર સુધીમાં 6.87 લાખ લોકોએ નોંધણી કરાવી છે. આ આંકડા શેર કરતાં ભૂતપૂર્વ સેનેટર મુસ્તફા નવાઝ ખોખરે કહ્યું હતું કે જ્યાં સુધી રાજકીય સુધારાઓ નહીં થાય, ત્યાં સુધી અર્થતંત્રમાં પણ સુધારો શક્ય નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટ બંધ રહેવાના કારણે પાકિસ્તાનને અંદાજે 1.62 અબજ ડોલરનું નુકસાન થયું છે, અને 23 લાખથી વધુ ફ્રીલાન્સ નોકરીઓ જોખમમાં આવી ગઈ છે.
વધતા સ્થળાંતર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સરકારે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. 2025માં અત્યાર સુધીમાં 66,154 મુસાફરોને પાકિસ્તાની એરપોર્ટ પરથી વિદેશ જવા રોકવામાં આવ્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ બમણી સંખ્યા છે.
આ સાથે, ગેરકાયદેસર સ્થળાંતર અને ભીખ માંગવાના આરોપસર હજારો પાકિસ્તાનીઓને ગલ્ફ દેશો સહિત અન્ય દેશોમાંથી પરત મોકલવામાં આવ્યા છે. તેમ છતાં, કડક નિયમો હોવા છતાં લોકો દેશમાં રહેવાને બદલે વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે, જે પાકિસ્તાન માટે ગંભીર ચેતવણી સમાન છે.
ચીને લગાવ્યો 20 અમેરિકન કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ